સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Wednesday 23rd September 2020 06:37 EDT
 

ફોટોગ્રાફીનો ધંધો ઠપ્પ થતાં બે યુવતીઓ દારૂની ખેપ મારવા લાગી
વલસાડ: વલસાડ એલસીબીએ સોમવારે રાત્રે બાતમી આધારે અતુલ નજીક હાઈવે પર નાકાબંધી કરી હતી. દરમિયાન કારની તપાસમાં બે યુવતીઓ દારૂની હેરફેર કરતી પકડાઈ હતી. કારમાંથી દારૂની ૨૧૬ બોટલ (કિંમત રૂ. ૩૧૨૦૦) મળી આવી હતી. પોલીસે કારમાં હેતલ રાજેન્દ્રકુમાર ભટ્ટ અમદાવાદ અને આરતી ઈશ્વરભાઈ ગોસ્વામી જામનગરની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. જાણવા મળ્યું કે, હેતલ અમદાવાદમાં ફોટોગ્રાફીનો વ્યસાય કરે છે અને થોડા સમયથી આરતી તેની સાથે જ રહેતી હતી. લોકડાઉનમાં ફોટોગ્રાફીનો વ્યવસાય બંધ થતાં બંને આર્થિક સંકડામણમાં આવતાં દારૂની હેરફેર શરૂ કરી હતી.
સચિવાલયમાં સલામતી શાખાના PIનો લમણે ગોળી ધરબી આપઘાત
ગાંધીનગર: સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રતિશ જે. પટેલે પોતાના લમણે ગોળી મારીને આપઘાત કર્યો હતો. પ્રતિશની લાશ બ્લોક નંબર-૨ની સામે આવેલા પાર્કિંગમાં પ્રાઇવેટ ગાડીમાંથી ૨૦મીએ મળી આવી હતી. તેઓ બાયડના આકરંદ ગામના વતની હતા. મૃતક ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ બજાવતા હતા. તેઓ પત્ની અને બે બાળકો સાથે સરગાસણ સ્થિત સંગાત પ્રાઇમ ફ્લેટમાં રહેતા હતા. ૨૦મીની મોડી રાત સુધી તે ઘરે નહીં આવતા પરિવારના સભ્યોએ તેઓને ફોન કર્યો હતો, પરંતુ ફોન રિસિવ નહીં થતાં પરિવારની ચિંતા વધી હતી. એ પછી તેઓની સચિવાલય સંકુલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બ્લોક નંબર-૨ની સામે આવેલા પાર્કિંગમાં તેમની કારમાંથી તેમની લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ આદરી છે.
યાદ રાખો, તમે સરકાર છોઃ હાઇ કોર્ટ
અમદાવાદ: સ્કૂલ સંચાલકો દ્વારા ફીના મામલે સરકારે હાઇ કોર્ટમાં કરેલી અરજીમાં ચિફ જસ્ટિસની ખંડપીઠે ૧૮મી સપ્ટેમ્બરે સરકારને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા આદેશ કર્યો છે. એપેડેમિક અને ડિઝાસ્ટર એકટ હેઠળ સરકાર પાસે પૂરતી સત્તા છે તેનો ઉપયોગ કરીને નિર્ણય લેવા કોર્ટે ટકોર કરી છે. સંચાલકોએ એવી દલીલ કરી હતી કે સરકારની અરજી ટકવાપાત્ર નથી. વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ નક્કી કરીને ફી ઘટાડવાનો નિર્ણય લેવા તૈયાર છીએ જયારે વાલીમંડળ તરફથી એવી દલીલ કરાઇ હતી કે સરકારનો ૨૫ ટકા ફી ઘટાડાનો નિર્ણય પ્રેક્ટિકલ છે તેનું પાલન કરવું જોઇએ. ફી નક્કી કરવાનો નિર્ણય હવે સરકારે લેવો જોઈએ અને પરિપત્ર જાહેર કરવા આદેશ કર્યો છે.હાઇ કોર્ટના આદેશ મુજબ સરકારે સંચાલકો સાથે બે વખત બેઠક કરીને ફી મામલે નિર્ણય લેવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ સંચાલકો માનતા નહીં હોવાથી સરકારે હાઇકોર્ટને નિર્દેશ આપવા અરજી કરી હતી.
પાટણના પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનું અવસાન
ગાંધીનગર વિધાનસભામાં સાવ પછાત ક્ષેત્રોનું સાત ટર્મ સુધી પ્રતિનિધિત્વ કરનારા, પૂર્વ પ્રધાન અને પાટણના માજી સાંસદ ૮૭ વર્ષીય લીલાધરભાઈ વાઘેલાનું ૧૬મીએ અવસાન થયું હતું. વર્ષ ૨૦૧૯ પછી ગાંધીનગરમાં રહેતા લીલધરભાઈ કેટલાક સમયથી ડીસા સ્થિત પુત્રના ઘરે રહેતા હતા. ૧૬મીએ સવારે તેમના અવસાન બાદ સાંજે ચાણસ્માના પીંપળ ગામે તેમની અંતિમવિધિ કરાઈ હતી. ૧૯૩૫માં જન્મેલા લીલાધર વાઘેલા ઈમરજન્સી પછી વિધાનસભાની ચૂંટણીમાં દિયોદરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા હતા. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાંથી આવતા લીલાધર વાઘેલા ૧૯૯૦માં ચીમનભાઈ પટેલ, ૧૯૯૮માં કેશુભાઈ પટેલ અને છેલ્લે વર્ષ ૨૦૧૧માં મોદી સરાકરમાં પ્રધાન રહ્યા હતા.
ગુજરાતમાં ૬૦ હજારથી વધુ મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માગી
અમદાવાદઃ ગુજરાતમાં ઓગસ્ટ માસ સુધીના છેલ્લા ૬ માસમાં ‘મહિલા હેલ્પલાઇન ૧૮૧’ પર સૌથી વધુ ૨૬૬૯૮ કોલ ઘરેલુ હિંસાના આવ્યા છે. જે કુલ કોલમાંથી ૪૪ ટકા છે. મહિલા અત્યારને લગતી વિવિધ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે આ છ માસમાં કુલ ૬૦,૬૪૪ મહિલાઓએ ‘અભયમ્ હેલ્પલાઇન ૧૮૧’નો સંપર્ક કર્યો હતો. મહિલા અત્યાચારના મામલે રાજ્યભરમાંથી સૌથી વધુ કોલ અમદાવાદમાંથી આવ્યા હોવાનું જાણવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter