• પૂર્વ કમિશનરના જમાઈ જ્યુડિશિયલ કસ્ટડીમાંઃ પૂર્વ ઇન્ચાર્જ કમિશનર વી વી રબારીના દીકરી રશેસાના પતિ કેયૂર દેસાઇની મહિલા ક્રાઇમ બ્રાન્ચે ઘરેલુ હિંસા, છેતરપિંડી, ધમકી અને દહેજના ગુના હેઠળ છઠ્ઠીએ ધરપકડ કરી હતી. પોલીસે કેયૂરને મેટ્રોકોર્ટમાં રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ માગ્યા હતાં. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ. એન. રામાવતે પોલીસની રિમાન્ડ અરજી ફગાવી દઇ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. પૂર્વ ઇન્ચાર્જ કમિશનર વીવી દેસાઇની દીકરી રશેસા દેસાઇએ પતિ કેયૂર દેસાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે મહિલા ક્રાઇમ બ્રાન્ચે કેયૂર દેસાઈને પોલીસ સ્ટેશનમાં હાજર થવા નોટિસ ફટકારી હતી. તે પગલે દેસાઇ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
• રૂ. ૨૭ કરોડની ટેક્સ ચોરીમાં ૬ને સમન્સઃ ગુજરાત અને રાજ્ય બહાર હોટલ-રિસોર્ટ બનાવીને ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા સર્વિસ ટેક્સ ઉઘરાવીને સરકાર સાથે રૂ. ૨૭ કરોડની સર્વિસ ટેક્સની ચોરી કરવાના મામલે પૂર્વ આઇપીએસ સંજય ગુપ્તા સહિત ૬ અધિકારીઓને કોર્ટ દ્વારા ૩૦મેનું સમન્સ બજાવવામાં આવ્યું છે. આ કેસમાં અન્ય ૫ અધિકારીઓ માટે પણ નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ મનોજકુમાર સિંઘલ, રામક્રિશ્ન, સંકારા, આશિષબાબુ વેણુગોપાલ, શ્રેયાંસ જૈન અને અરવિંદકુમાર ગુપ્તાને મોકલવામાં આવી છે. ગાંધીનગરના સર્વિસ ડિપાર્ટમેન્ટના સુપરિટેન્ડેન્ટ આર. આઇ. ચૌધરીએ નિશા લીઝર્સ કંપનીના ડાયરેક્ટર પૂર્વ આઇપીએસ ગુપ્તા સહિત ૬ જણા સામે મેટ્રો કોર્ટમાં અરજી કરતા તપાસ આદરીને આ નોટિસ બજાવવામાં આવી હતી.

