ગુજરાતની મહત્ત્વની ઘટનાઓ - સમાચારો ઉડતી નજરે...
• ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ ગેરકાયદેઃ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ઇન્ટર્નશિપ કરી રહેલા ઇન્ટર્ન ડોક્ટરો સ્ટાઇપેન્ડ રૂ. ૧૨,૮૦૦થી વધારીને ૨૦ હજાર કરવાની માંગણી સાથે હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે રાજ્ય સરકારે તેમની હડતાળને ગેરકાયદેસર ગણાવી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટ કહ્યું કે સરકારને ખોટી રીતે દબાણમાં લાવવા માટે એકતરફી નિર્ણય લઇને હડતાળ પાડવી કોઇ પણ સંજોગોમાં યોગ્ય નથી. હડતાળ ઉપર રહેલા તમામ ઇન્ટર્નની ગેરહાજરી પૂરવા ડીનને સૂચના આપવામાં આવી છે. પૂરતી હાજરી નહીં હોય તો પીજીમાં પ્રવેશ પણ નહીં મળે. નીતિન પટેલે જણાવ્યું કે અમારી સાથેની મુલાકાત દરમિયાન અમે ઇન્ટર્ન ડોક્ટરોને બાંહેધરી આપી હતી કે હાલ મહામારીના સંજોગો છે. ત્યારે સરકાર યોગ્ય સમયે આ અંગે નિર્ણય લેશે તેમ છતાં તેઓએ હડતાળ જાહેર કરી છે. એમબીબીએસ બાદ એક વર્ષની ઇન્ટરર્નશીપ જરૂરી છે. તો જ તેમને ડોક્ટર તરીકે પ્રેકટીસ કરવાનું પ્રમાણપત્ર મળી શકે છે.
• છ મહાનગરપાલિકા અધિકારીઓના હવાલેઃ અમદાવાદ સહિત પાંચ મહાનગરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખની રવિવારે મુદત પૂર્ણ થઇ જતાં આ મ્યુનિસિપલ કોર્પોરેશનનો શાસનદોર કમિશનરને સોંપાયો છે. અલબત્ત, મ્યુનિ. કમિશનર રૂટિન કામગીરી જ કરી શકશે. કોઇ નીતિવિષયક નિર્ણય લઇ શકશે નહીં. કોરોનાના કારણે પાછી ઠેલાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાન્યુઆરીમાં જાહેર થવાની શક્યતા છે.
• જયશંકરે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કર્યોઃ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી જીતેલા વિદેશ પ્રધાન એસ. જયશંકરની જીતને પડકારતી ઇલેક્શન પિટિશનમાં જયશંકરે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે કે તેમની સામે કરાયેલા આક્ષેપો પાયાવિહોણા અને કાલ્પનિક છે. કોંગ્રેસના પરાજીત ઉમેદવાર ગૌરવ પંડયા કાયદાકીય કાર્યવાહીનો દુરૂપયોગ કરી રહ્યાનો પણ આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ સમક્ષ જયશંકરે સોગંદનામા સ્વરૂપે જવાબ રજૂ કર્યો હતા કે રાજ્યસભા ચૂંટણીમાં ગેરરીતિ અંગે કરાયેલા આક્ષેપો કાલ્પનિક અને પાયાવિહોણા છે. તેમણે કે ચૂંટણી પંચે કોઇ નિયમનો ભંગ કર્યો નથી. ગુજરાતમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી બાદ ખાલી થયેલી બે બેઠકોની રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ તરફથી જયશંકર ચૂંટણી લડયા હતા અને વિજય મેળવ્યો હતો. આ બન્ને બેઠકો માટે ચૂંટણી પંચે અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડયું હોવાથી કોંગ્રેસના પરાજીત ઉમેદવાર ગૌરવ પંડયાએ આ ચૂંટણીને પડકારી હતી.
• ગુજરાતમાં ૩૩ ટકા પુરુષોને ડાયાબિટીસઃ નેશનલ ફેમિલી હેલ્થ સરવેના નવા રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ૩૩ ટકા પુરુષ અને ૩૦ ટકા મહિલાઓ ડાયાબિટીસની સમસ્યાથી પીડાય છે. ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારમાં આ સમસ્યાનું પ્રમાણ વધારે છે. હાઇ સુગર હોય કે સુગર કંટ્રોલ માટે દવા લેતા હોય એવા લોકોની ટકાવારી વધારે છે. જ્યારે ૩૭ ટકા મહિલાઓ અને ૩૮ ટકા પુરુષો હાઇપર ટેન્શનની સમસ્યાથી પીડાય છે. હાઇપર ટેન્શનમાં પણ દવા લેતા હોય એવા લોકોની સંખ્યા વધારે છે. ૧૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ પર કરાયેલા સરવેમાં આ વિગતો બહાર આવી છે.

