રૂ. ૩૦૦ કરોડની ક્રૂડ ઓઇલ ચોરીમાં વોન્ટેડ સંદીપ ગુપ્તા ઝડપાયો
અમદાવાદઃ એન્ટિ ટેરરિસ્ટ સ્કોવોર્ડે અલગ અલગ રાજ્યોમાં ૧૪ જગ્યાએ ઓઇલની પાઇપલાઇનમાં પંકચર કરીને ૩૦૦ કરોડ રૂપિયાના ક્રૂડ ઓઇલની ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા આરોપી સંદીપ ગુપ્તાની મુંબઇ એરપોર્ટ પરથી ૨૨મી જાન્યુઆરીએ ધરપકડ કરી હતી.
પોલીસ શોધતી હોવાથી સંદીપ ૨૬ ઓગસ્ટ, ૨૦૨૦ દુબઇ નાસી ગયો હતો. જુલાઇ, ૨૦૨૦માં મોરબી એસઓજીએ એટીએસની બાતમીના આધારે ઓઇલ ચોરી પકડી પાડી હતી. જેમાં સંદીપ ગુપ્તાનું નામ ખૂલ્યું હતું. એટીએસ અનુસાર સંદીપ ગુપ્તા ઓઇલ લાઇનમાં પંક્ચર કરી ત્યાં જ ફેક્ટરી ઊભી કરી દેતો હતો. તેણે રાજસ્થાન, બિહાર, પશ્વિમ બંગાળ સહિતના રાજ્યોમાં ચોરી કરી હતી.
રૂ.૧૦૦ કરોડનો બેન્ક ફ્રોડ કરનાર નરેન્દ્ર પટેલની ધરપકડ
અમદાવાદઃ બેન્ક સાથે રૂ. ૧૦૦ કરોડના કહેવાતા ફ્રોડ માટે જવાબદાર ‘જય અંબે ગૌરી કેમ લિ.’ના ડિરેક્ટર અને વર્ષ ૨૦૧૫થી કુટુંબ સાથે અમેરિકા ફરાર નરેન્દ્ર કુમાર પટેલની મની લોન્ડરિંગ કેસમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈડીએ ધરપકડ કરી હતી. નરેન્દ્ર પટેલની ધરપકડ બાદ તેમને હૈદરાબાદમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ માટેની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા. હૈદરાબાદની કોર્ટે ૨૯મી જાન્યુઆરી સુધી તેમને ઈડીની કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો હતો.
IIM હોસ્ટેલમાં મૂળ બિહારની યુવતીની આત્મહત્યા
અમદાવાદઃ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ – અમદાવાદના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ (પીજીપી)માં અભ્યાસ કરતી બિહારના મુઝફ્ફપબાદની ૨૫ વર્ષીય યુવતી દૃષ્ટિ રાજ કાહનાએ હોસ્ટેલના રૂમમાં ૨૦મીએ સાંજે લગભગ ૪.૦૦ વાગ્યે પંખાના હૂક પર દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધો હતો. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. સેટેલાઇટ પીઆઇએ જણાવ્યું કે, હાલમાં કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. યુવતીએ કયા મામલે આત્મહત્યા કરી તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ધોળકામાં મામલતદાર રૂ. ૨૫ લાખની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદઃ ધોળકામાં મામલતદાર હાર્દિક ડામોરને રૂ. ૨૫ લાખની લાંચ લેતા લાંચ રૂશ્વત બ્યુરો – ACBએ ૨૦મી જાન્યુઆરીએ રંગે હાથ ઝડપી લીધા હતા. હાર્દિક ડામોરે ખેડૂત ખાતેદારને પહેલાં બિનખેડૂત જાહેર કરી ફરીથી તેને ખેડૂત તરીકે જાહેર કરવા અને જમીનમાં નામ દાખલ કરવા રૂ. ૭૫ લાખની માગ કરી હતી. એમાંથી હાર્દિક ડામોર રૂ. ૨૫ લાખની લાંચ લેતા ઝડપાયા હતા.

