ગુજરાત રાજ્યમાં બનેલી કેટલીક ઘટનાઓ ઉડતી નજરે...
• ગુજરાતમાં ૪ વર્ષમાં ૧,૦૯૫ બેરોજગારોએ જીવન ટુંકાવ્યુંઃ પિરિયોડિક લેબર ફોર્સ સરવેના વાર્ષિક રિપોર્ટ અનુસાર, ૧૫થી ૨૯ વર્ષની વયમર્યાદામાં દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારી દર સૌથી નીચો છે. રાજ્ય સરકાર દ્વારા યુવા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ, બેરોજગારીના કારણે રાજ્યમાં ચાર વર્ષમાં ૧,૦૯૫ લોકોએ આત્મહત્યા કરી છે. દેશમાં આ આંકડો ૧૦,૨૯૪ છે. દેશમાં નોકરી ન હોવાના કારણે આત્મહત્યા કરનાર લોકોમાંથી ૧૧ ટકા ગુજરાતના છે. ગુજરાત આ બાબતે દેશમાં ચોથા ક્રમે છે.
• પાકિસ્તાનથી ગુજરાત આવેલા ૫૫૫ હિન્દુ પરિવાર ભારતીય નાગરિકતાથી વંચિતઃ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી કાયદેસરના વિઝા પર રહેતાં પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનના હિન્દુ નાગરિકો ભારતીય નાગરિકતા મળે તેની રાહ જોઈ રહ્યા છે, ગુજરાતમાં હિન્દુ પરિવારોની ૫૫૫ અરજી અત્યારે પડતર છે, બીજી તરફ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧,૦૮૯ વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના ૩૦મી જુલાઈ ૨૦૨૧ની સ્થિતિના લેટેસ્ટ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ સમુદાયના લોકો ગુજરાતમાં આવીને વસવાટ કરી રહ્યા છે, પાંચ વર્ષથી કાયદેસરના વિઝા પર ગુજરાતમાં વસવાટ કરતાં હિન્દુ પરિવારોની ૫૫૫ અરજી હાલની સ્થિતિએ પડતર છે, જેમાં તેમણે ભારતીય નાગરિકત્વ માગ્યું છે. દેશના ૧૮ રાજ્યમાં આવી ૪,૦૪૬ અરજી પડતર છે, આ સિવાય ૧૦ અરજી કેન્દ્ર સરકાર સમક્ષ પડતર છે. સૌથી વધુ રાજસ્થાનમાં ૧૫૪૧ અરજી પડતર છે, એ પછી મહારાષ્ટ્રમાં ૮૪૯ અને ત્રીજા ક્રમે ગુજરાતમાં ૫૫૫ અરજી પડતર છે.
• ગુજરાત-રાજસ્થાન વચ્ચે ૬૫ વર્ષથી ૨૦૦ વીઘા જમીનનો વિવાદઃ જમીન માટે બે કુટુંબ વચ્ચે ઝઘડા થવાના અવાર-નવાર સાંભળવા મળતા હોય છે. પરંતુ છેલ્લા ૬૫ વર્ષથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ચાલી રહેલા ૨૦૦ વિઘા જમીનને લઇને વિવાદ પૂર્ણવિરામ મૂકાવવાનું જાણે નામ જ લઇ રહ્યો નથી. છેલ્લા ૬૫ વર્ષથી ૨૦૦ વિઘા જેટલી જમીન કોના હસ્તકની છે તેના માટે સરકારના રેકર્ડ પર એકપણ દસ્તાવેજ નથી. ગત જુલાઇમાં ઉદેપુર કલેક્ટર અને જમીન મહેસુલ વિભાગના અધિકારીઓ ગુજરાત આવ્યા હતા. એ વખતે તેમણે બનાસકાંઠા કલેક્ટર સાથે બેઠક કરીને બંને રાજ્યોના બોર્ડર ખાતે રહેલી ૨૦૦ વિઘા જમીનના નીવેડા અંગે ચર્ચા કરી હતી. આ અગાઉ સાબરકાંઠાના કલેક્ટરે ઉદેપુર ખાતે બે વખત બેઠક કરી હતી. જોકે, છેલ્લા ૬૫ વર્ષમાં અનેક બેઠક થવા છતાં જમીન વિવાદનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી.
• કોઈ આંતરધર્મીય લગ્ન કરે તો શું પહેલા તેને જેલમાં જવાનું?ઃ ગુજરાત ફ્રિડમ રિલિજિયન (અમેન્ડમેન્ટ) એક્ટ-૨૦૨૧ (જે સામાન્ય રીતે લવજેહાદના નામે પ્રચલિત છે)ને હાઈકોર્ટમાં પડકારાયેલો છે. જેમાં સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને એડ્વોકેટ જનરલને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી ૧૭ ડિસેમ્બરે હાથ ધરાશે. અરજદારના વકીલની રજૂઆત હતી કે, ‘બંધારણ મુજબ દરેક વ્યક્તિને કોઈપણ ધર્મમાં માનવા, તેના આધારે જીવવા કે તેના પ્રચાર માટે સ્વતંત્રતા છે, આ ઉપરાંત, કોઈને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના હકથી વંચિત કરી ન શકાય. આ કાયદો આ બાબતનો ભંગ કરે છે. આ કાયદાના લીધે આંતરધર્મીય લગ્ન કરવા એ ગુનો બન્યો છે. આમ પણ, આંતરધર્મીય લગ્ન ક્યારેય સરળ હોતા નથી, કાયદા મુજબ આંતરધર્મીય લગ્નમાં લોહીના સંબંધ ધરાવતી કોઈ વ્યક્તિને વાંધો હોય તો તે એફઆઈઆર કરાવી શકે છે.’ સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, ‘કોઈ આંતરધર્મીય લગ્ન કરે તો શું તેને પહેલા જેલમાં જવાનું અને પછી સાબિત કરવાનું કે તેણે શું કર્યું છે ? આવા લગ્નમાં વ્યક્તિને જેલમાં પૂરીને સરકાર સંતોષ માનશે કે આ લગ્ન બળજબરીથી થયા નથી ‘ હાઈકોર્ટે એ પણ ટકોર કરી કે, ‘લગ્ન કરનાર દંપતીએ નક્કી કરવાનું છે કે તેમણે કયા ધર્મને અનુસરવો છે.’ સરકારી વકીલની રજૂઆત હતી કે, ‘આંતરધર્મીય લગ્ન એ ગુનો નથી. પરંતુ, લગ્નના નામે ધર્મપરિવર્તન થવું ન જોઈએ.’
• વડા પ્રધાન મોદી ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિન ઊજવવા મહાત્મા મંદિર આવશેઃ વડા પ્રધાન મોદી ૫ સપ્ટેમ્બરના શિક્ષક દિને માદરે વતન ગુજરાતમાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની તથા મુખ્ય સચિવ અનિલ મુકિમની વિનંતીને પગલે વડા પ્રધાને તેમનો કાર્યક્રમ નક્કી કર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. શિક્ષક દિને વડા પ્રધાન મોદી પાટનગરમાં મહાત્મા મંદિરથી રાજ્યની સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે ઘડાયેલા રૂ. ૮ હજાર કરોડના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી ધો. ૧થી ૮ની ૧૫ હજાર પ્રાથમિક શાળાઓ, ૪ હજાર ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ૧ હજાર સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવરી લેવાની છે, જે પૈકી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ સહિતની તાલુકા દીઠ એક એવી કુલ ૨૫૦ સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓ પાયલોટ પ્રોજેક્ટ તરીકે વડા પ્રધાનના હસ્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા ખુલ્લી મુકાશે. રૂ. ૮ હજાર કરોડના આ પ્રોજેક્ટ માટે રૂ. ૩,૭૦૦ કરોડની લોન વિશ્વ બેન્ક તથા રૂ. ૧,૮૫૦ કરોડની લોન એશિયન ઇન્ફાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક પાસેથી અપાવવામાં ભારત સરકારે મદદ કરી હોઈ રાજ્ય સરકારના આગ્રહથી વડા પ્રધાન દ્વારા આ પ્રોજેક્ટનું લોન્ચિંગ થવાનું છે.
• ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે યુએસના સ્ટોક્સમાં ટ્રેડિંગ શરૂ કરાશેઃ ભારતીય રોકાણકારોને ટૂંક સમયમાં અમેરિકાના શેરબજારમાં લિસ્ટેડ સ્ટોક્સમાં ટ્રેડિંગ કરવાની વધુ એક સરળ સુવિધા ઉપલબ્ધ થશે. એનએસઇ ઇન્ટરનેશનલ એક્સચેન્જ જે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ની સબસિડિયરી છે, જે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટી સિટી સ્થિત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી) ખાતે અમેરિકાના સ્ટોક્સમાં ટ્રેડિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આમ ગુજરાત સ્થિત ગિફ્ટ સિટી હવે વિદેશી સ્ટોકના ટ્રેડિંગનું હબ બનવા જઇ રહ્યુ છે. ભારતમાં આવા પ્રકારની પહેલી સુવિધા હશે, જ્યાં ભારતીય રોકાણકારો એનએસઇ આઇએફએસસી પ્લેટફોર્મ પર રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત લિબર્લાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) લિમિટ હેઠળ ટ્રેડિંગ કરી શકશે. રિઝર્વ બેન્કના લિબર્લાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ ફ્રેમવર્ક હેઠળ ભારતમાં રહેનાર વ્યક્તિને દર નાણાંકીય વર્ષ દીઠ ૨,૫૦,૦૦ ડોલર (લગભગ ૧,૮૬ કરોડ રૂપિયા) સુધીની રકમ વિદેશમાં મોકલવાની પરવાનગી મળે છે. અલબત્ત, એનએસઇ એ હજી સુધી અમેરિકાના શેરબજારમાં લિસ્ટેડ એવા સ્ટોક્સની યાદી જાહેર કરી નથી જે આગામી સમયમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. સ્ટોક્સને એક અનસ્પોન્સર્ડ ડિપોઝિટરી રિસિપ્ટ (ડીઆર)ના રૂપમાં ઇશ્યૂ કરવામાં આવશે.