સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Wednesday 17th May 2017 08:18 EDT
 

• શાહને ત્યાં ટિકિટ માટે સંતોની પધરામણીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસના ટૂંકા રોકાણ માટે ૧૧મીએ અમદાવાદ હતા. આ દિવસે અમિત શાહને તેમના થલતેજના બંગલે દિલ્હીના ભાજપના સાંસદ મહેશગીરી, ભારતી આશ્રમના ભારતી બાપુ, સ્વામી પરમાનંદ, સ્વામી અવધેશા નંદ, સ્વામી નિર્મળાનંદ વગેરે વન ટુ વન મળ્યા હતા. સૂત્રો કહે છે કે એક આગેવાન સંતે યુપીની માફક ગુજરાતની ચૂંટણીમાં સાધુસંતોને વિધાનસભાની ટિકિટ આપવાની માગ કરી હતી. જ્યારે અન્ય સાધુઓ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૂર્વે સાધુ-સંતોનું સંમેલન યોજવા સંદર્ભે અમિત શાહને મળ્યા હોવાનું કહેવાય છે.
• કપિલ દેવ ગોવિંદા, રવિ કિશનને નોટિસઃ પૂર્વ ક્રિકેટર કપિલ દેવ, ફિલ્મ સ્ટાર ગોવિંદ તથા રવિ કિશન અમારી ક્લબના એડવાઇઝરી બોર્ડના જોઇન્ટ ડિરેક્ટર છે, તેવું પ્રમોશન કરીને ક્લબના મેમ્બર બનાવવાનું પ્રલોભન આપીને કરોડો રૂપિયા પડાવી લેવાના ‘સનસ્ટાર ધી ક્લબ’ના રાજ્યવ્યાપી કૌભાંડમાં ભોગ બનેલા વડોદરાના એક તબીબ દંપતીએ કપિલ દેવ, ગોવિંદા અને રવિ કિશનને જાગૃત ગ્રાહક નાગરિક સંસ્થા મારફત લિગલ નોટિસ ફટકારી છે અને મેમ્બરશીપ ફી પેટે ચૂકવેલા રૂ. ૧.૬૫ લાખ, મુંબઈ-ગોવા ટુરમાં થયેલો ખર્ચ તથા તબીબ પતિ, પત્ની અને બાળકે ભોગવેલી યાતના બદલ રૂ. ૧.૫૦ લાખ વળતરની માગ કરી છે.
• ફ્લાઈટમાં યાંત્રિક ખામી સર્જાઈઃ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એર પોર્ટ પરથી રવાના થયેલી અમદાવાદ-શિકાગો વાયા દિલ્હીની ફ્લાઈટમાં ૧૧મીએ મોટો અકસ્માત ટળ્યો હતો અને પાયલટની સૂઝથી ૧૫૩ પ્રવાસીઓનો બચાવ થયો હતો. અમદાવાદ એર પોર્ટ પરથી ફ્લાઈટ ટેકઓફ થયાની આશરે ર૦ મિનિટ પછી એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. આ યાંત્રિક ખામી સર્જાતાં મુસાફરોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેના લીધે ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા ૧૫૩ પ્રવાસીઓનો જીવ અદ્ધર થઈ ગયો હતો. જોકે ફ્લાઈટ અમદાવાદ એર પોર્ટની રડારમાં જ હોવાથી પાયલટે સૂઝ વાપરીને ક્વિક અને સેફ લેન્ડિંગ કરતાં પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter