• દુર્ગાવાહિનીમાં ૬ લાખ સભ્યો બનાવશેઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સ્થાપેલી સંસ્થા હિન્દુ યુવા વાહિની હવે ગુજરાતમાં સંગઠન ઊભું કરશે. જેના ભાગરૂપે સંસ્થા આગામી દિવસોમાં ૬ લાખ સભ્યોનું સંગઠન ઊભું કરશે. સંસ્થાના પ્રદેશ સંગઠન મંત્રી અર્જુન મિશ્રાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, હિન્દુ યુવા વાહિની એક બિનરાજકીય સંગઠન છે જે યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ દેશભરમાં હિન્દુ સંસ્કૃતિનું સંવર્ધન અને રક્ષણ કરવા કાર્યરત છે.
• JEE એડવાન્સના ટોપ ૧૦૦માં પાંચ ગુજરાતી: દેશભરમાં આવેલી ૨૩ જેટલી IIT સહિતની વિવિધ પ્રતિષ્ઠિત ટેકનિકલ સંસ્થાઓની ૧૦ હજારથી વધુ બેઠકોમાં પ્રવેશ માટે સમગ્ર રાજ્યમાં લેવાયેલી જેઇઇ (એડવાન્સ) ૨૦૧૭નું પરિણામ રવિવારે જાહેર થયું હતું. જેમાં ગુજરાતમાં પ્રથમ ૧૦૦મા ગુજરાતના પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
• અમદાવાદમાં રૂ. ૩૨૦ કરોડના સીસીટીવીઃ અમદાવાદ મ્યુનિ. દ્વારા હાથ ધરાયેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટને મળેલી મહત્ત્વની મીટિંગમાં પાલડીમાં ઊભા થનારા મુખ્ય કંટ્રોલરૂમ સાથે શહેરમાં ઠેર ઠેર મુકાનારા સીસીટીવી કેમેરા, ટ્રાફિક કંટ્રોલ માટેના કેમેરા, હવામાનના ફેરફારની નોંધ કરતા સાધનો, મહત્ત્વની સૂચના આપતા એલઈડી ડિસપ્લે વગેરેને જોડવાની કામગીરીનું રૂ. ૨૩૯ કરોડનું ટેન્ડર પાસ કરાયું છે. ઉપરાંત નેટવર્કના જોડાણનું બીએસએનએલનું ૮૧ કરોડનું ટેન્ડર પાસ કરાતા હવે આ કામગીરીમાં ઝડપ આવશે તેમ જણાય છે.
• પ્રદીપ શર્મા પાસેથી વધુ રૂ. ૧૦ લાખ જપ્તઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પૂર્વ આઇ.એ.એસ. અધિકારી પ્રદીપ શર્મા વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં રૂ. ૧૦ લાખ રોકડા જપ્ત કર્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં પ્રદીપ શર્મા પાસેથી રૂ. ૧ કરોડ, ૧૯ લાખની રોકડ રકમ અને મિલકત ટાંચમાં લેવામાં આવી છે.

