• રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં તાજેતરમાં પસાર કરાયેલા હુક્કાબાર પરના પ્રતિબંધ અંગેના વિધેયકને આખરે દેશના રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. પરિણામ સ્વરૂપ હવે, રાજ્ય સરકાર ૩જી જુલાઈ-૨૦૧૭થી જ તેનો અમલ શરૂ કરશે. આ કાયદામાં એવી જોગવાઈ મુજબ સરકાર હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી શકશે એટલું જ નહીં પણ હવેથી આ ગુનો કોગ્નિઝેબલ ગણાશે. હુક્કાબારમાં પ્રવેશ, તપાસ, ઝડતી, જપ્તી સહિતની સત્તાઓ હવેથી પોલીસ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે.
• અમિત જેઠવા હત્યાકાંડની રિટ્રાયલઃ ગુજરાત હાઇ કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત જ કોઈ સંવેદનશીલ આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાના ચકચારી હત્યા કેસની ફરીથી ટ્રાયલ યોજવાનો હાઇકોર્ટે આદેશ કર્યો છે. શા માટે કેસની ફરીથી ટ્રાયલ ચલાવવી તે અંગે કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે ન્યાયની કસુવાવડ ન થાય તે માટે કેસની નવેસરથી ટ્રાયલ યોજવી અત્યંત જરૂરી છે. નવી ટ્રાયલ મામલે કોર્ટે કેટલાક અગત્યના નિર્દેશોને અનુસરવા આદેશ કર્યા છે. ચુકાદા બાદ દિનુ બોઘા સોલંકીના વકીલે હુકમના આદેશ પર અમલ પર સ્ટેની માગણી કરી હતી તે પણ હાઇકોર્ટ ફગાવી દીધી છે.
• કોંગ્રેસ નાયી સમાજને વિશેષ પેકેજ આપશેઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રવિવારે અમદાવાદમાં નાયી (વાણંદ) સમાજનું સંમેલન બોલાવ્યું હતું. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ અને પ્રભારી અશોક ગેહલોત રવિવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહેમદ પટેલે પ્રભારી તેમજ પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. અમદાવાદમાં નાયી સમાજના સંમેલનમાં અહેમદ પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો નાયી સમાજને ખાસ પેકેજ જ આપવામાં આવશે. અશોક ગેહલોતે પાટણમાં જણાવ્યું હતું કે, અહીંથી સંકલ્પ લઈને જજો કે કોંગ્રેસ સત્તામાં આવે. તમે લોકો વાત કરશો તો હવા બદલાશે. ચૂંટણી સમયે ગમે તેવી મોટી વ્યક્તિ હોય એને ઘરે ઘર મત લેવા જવાનું હોય છે. કોંગ્રેસે તમામ લોકોને મતનો અધિકાર આપ્યો છે.
• પાસપોર્ટ પોલીસ વેરિફિકેશન ૧૧ દિવસમાંઃ રાજ્યમાં પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનનો સમયગાળો અગાઉ ૨૩ દિવસ જેટલો હતો જે ઘટીને હવે ૧૧ દિવસનો થઈ જવા પામ્યો છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ગુજરાત પોલીસની પાસપોર્ટ વેરિફિકેશનની કામગીરીને કેન્દ્ર સરકારે બિરદાવી છે અને કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સર્ટિફિકેટ ઓફ રેકેગ્નેશન આપ્યું છે. જેનો ડીજીપી ગીથા જોહરીએ દિલ્હીમાં સ્વીકાર કર્યો હતો.
• પાક. ૭૮ ભારતીયને મુક્ત કરશેઃ પાકિસ્તાની સરકાર દ્વારા ૭૭ માછીમારો સહિત ૭૮ ભારતીયોને મુકત કરવાની જાહેરાત કરવામાં આવતા માછીમારોના પરિવારજનો માં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ ઘણા લાંબા સમય પછી માછીમારની મુકિત કરવામાં આવી છે.

