સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Wednesday 30th August 2017 08:22 EDT
 

• સુરત-અમદાવાદ-ભાવનગરની ફ્લાઇટ ૩૦ સપ્ટેમ્બરથીઃ એર ઓડિશા અગામી ૩૦ સપ્ટેમ્બરથી સુરત-અમદાવાદ- ભાવનગર વચ્ચે ૧૮ સીટરનું બ્રિજ ક્રાફ્ટ શરૂ કરી રહી છે. એર ઓડિશાના ઓપરેશનલ ઓફિસના હેડના અધિકારીએ જણાવ્યું હતું કે, ઉડાન યોજના હેઠળ અમે સુરત-અમદાવાદ- ભાવનગરની ફ્લાઇટ શરૂ કરવા જઈ રહ્યા છે. સાથે જામનગર. મીઠાપુર, દીવ અને મુંદ્રા સહિત અન્ય ઘણાં શહેરોનાં અનસર્વ્ડ-અંડરસર્વ્ડ એરપોર્ટથી ઊડાનો શરૂ થઇ જશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઊડાન યોજના હેથળ સુરતથી ભાવનગરનું ભાડું રૂ. ૫૦૦થી ૧૦૦૦ સુધી વસૂલીશું. જ્યારે સુરત અમદાવાદનું ભાડું રૂ. ૨૦૦૦થી ૨૫૦૦ સુધી વસૂલીશું.
• શહીદોના પરિજનોને મોરારિબાપુની રૂ. ૧૦ લાખની સહાય: કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં આઠ ભારતીય જવાનો શહીદ થયા છે. આ પ્રત્યેક શહીદોના કુટુંબને શ્રીહનુમાનજીની પ્રસાદીરૂપે રામ કથાકાર મોરારિબાપુએ રૂ. ૧.૨૫ લાખ અર્પણ કર્યાં છે એમ કુલ રૂ. દસ લાખની સહાય તેમણે શહીદોના પરિવાર માટે મોકલી છે. મોરારિબાપુના કાર્યકર્તા જયદેવભાઈ માંકડે જણાવ્યું કે પૂજ્ય મોરારિબાપુ દ્વારા સાંત્વનારૂપે શહીદોના પરિવારજનોને કુલ મળીને રૂપિયા દસ લાખની સહાય મોકલાઈ છે. સરકારના સંબંધિત વિભાગમાંથી આ શહીદોના સરનામા મેળવી તેઓનાં પરિવારજનોને આ રકમ પહોચાડવામાં આવશે.
• અમદાવાદમાં વયોવૃદ્ધ રસિક મહેતાની લૂંટના ઈરાદે હત્યાઃ અમદાવાદનાં નવરંગપુરામાં રહેતા અને અમદાવાદ ઇલેક્ટ્રીક સિટીના નિવૃત્ત અધિકારી રસિકલાલ સાકળચંદ મહેતા (૯૩) ની લૂંટના ઈરાદે હત્યાને પગલે ચકચાર મચી ગઈ છે. આરોપીએ વૃદ્ધની ઓશિકા વડે ગળું દબાવીને ૨૭મીએ બાથરૂમમાં હત્યા થઈ હતી. સવારે પરિવારજનોએ જોયું તો તેમના મોઢા અને કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું. એટલું જ નહીં આરોપી વૃદ્ધની હત્યા કર્યા બાદ તેમની કાર લઈને પલાયન થઈ ગયો હતો. પોલીસને જાણ કરાતા નવરંગપુરા પોલીસ, ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
• કોંગ્રેસને સોલંકી પર ભરોસો નહીંઃ વિધાનસભાની ચૂંટણી શિયાળાની શરૂઆતમાં થવાની છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા એકબીજા વિરુદ્ધ કરાઈ રહેલી બયાનબાજીને કારણે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળે છે. ૨૫મીએ કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપરાંત અન્ય ચાર કાર્યકારી પ્રમુખોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી તેને લઈને ૨૬મીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એવું નિવેદન આપ્યું કે, જે કોંગ્રેસ પાર્ટીને પોતાના પ્રમુખ પર ભરોસો નથી અને તેને કારણે અન્ય ચાર કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરવી પડે છે. કોંગ્રેસ પર ગુજરાતના લોકો બિલકુલ ભરોસો નહીં કરે. જેના જવાબમાં ભરતસિંહે કહ્યું કે, રૂપાણી રબ્બર સ્ટેમ્પ છે તેથી અમિત શાહને વારંવાર ગુજરાત દોડીને આવવું જવું પડે છે. રૂપાણીને તો કોંગ્રેસ કે મારી પર કોઈ આરોપ લગાવવાનો અધિકાર જ નથી.
• ગુજરાતમાં ભાજપના ચૂંટણી પ્રભારી અરુણ જેટલીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની ચૂંટણીના સંદર્ભમાં કેન્દ્રિય નાણા, કોર્પોરેટ બાબતો તથા સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીને ચૂંટણી પ્રભારી બનાવી તેમની સહાયતા માટે ચાર કેન્દ્રિય પ્રધાનો સહપ્રભારી તરીકે નિયુક્ત કર્યાં છે. ગુજરાતમાં અત્યારે ભાજપ પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ જવાબદારી સંભાળી રહ્યા છે અને તેઓ તથા રાષ્ટ્રીય સહસંગઠક મહામંત્રી વિ. સતિષ રાજ્યની ચૂંટણીની તૈયારીઓના અનુસંધાને રાજ્યમાં અવારનવાર આવતા-જતા રહે છે, તેમ છતાં ચૂંટણી માટે નવી ટીમ જાહેર કરાઈ છે. ચાર સહપ્રભારીઓ તરીકે કેન્દ્રિય પંચાયત, ગ્રામ વિકાસ અને શહેરી વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રિય વાણિજ્ય ઉદ્યોગ રાજ્ય પ્રધાન નિર્મલા સીતારામન, પીએમઓ સંભાળતા કેન્દ્રિય રાજ્ય પ્રધાન ડો. જિતેન્દ્રસિંહ તથા કેન્દ્રિય માહિતી ટેકનોલોજીના રાજ્ય પ્રધાન પી. પી. ચૌધરી સમાવાયા છે. અરુણ જેટલી ૨૦૦૭ અને ૨૦૧૨માં ત્રણ રાજ્યની વિધાનસભા ચૂંટણી વખતે પ્રભારી રહ્યા હતા.
• સીએસની પરીક્ષામાં ટોપ-૫૦માં અમદાવાદનો સુનિલ ખાંટઃ કંપની સેક્રેટરીસ ઇન્સ્ટિટ્યૂટે જૂનમાં લીધેલી અમદાવાદ ચેપ્ટરની સીએસ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની પરીક્ષાનું ૫.૦૮ ટકા જ્યારે પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષાનું ૧.૫૩ ટકા પરિણામ આવ્યું છે. પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલ પર ટોપ-૫૦માં અમદાવાદના સુનિલ ખાંટેકે ૨૦મો રેન્ક મેળવ્યો છે. જ્યારે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલ પર ટોપ ૫૦માં કુલ ૫ વિદ્યાર્થીઓ ઝળક્યા છે.
• ગુજરાત કેડરના આઈપીએસ અભિષેક સિંગ ડિસમિસઃ ગુજરાત કેડરના ૨૦૧૧ બેચના આઈપીએસ અભિષેકકુમાર સિંગને નોકરીમાંથી ડિસમિસ કરાયા છે. ૨૦૧૧ બેચના આઈપીએસ અધિકારીની ગુજરાતના જૂનાગઢમાં એએસપી તરીકે નિમણૂક થઈ હતી. તે દરમિયાન તેઓ ૨૦૧૪માં અચાનક ક્યાંક જતા રહ્યા હતા. મૂળ બિહાર પટણના રહેવાસી હોવાથી તેમને શોધવા તેમના ગામે એક ટીમ મોકલાઈ હતી પરંતુ ટીમને ઘરમાં પ્રવેશ અપાયો નહોતો. દરમિયાનમાં તેમને સહકર્મચારીએ નોકરી જતી રહેશે તેમ ધ્યાન દોરતાં તેઓ ૨૦૧૬માં ગુજરાતમાં પરત ફરી ગૃહવિભાગમાં હાજર થયા હતા. જેથી ગુજરાત ગૃહવિભાગે તેમને રિપોર્ટ નેશનલ પોલીસ એકેડમીને કર્યો હતો. નેશનલ પોલીસ એકેડમીએ આ રિપોર્ટને આધારે કેન્દ્રિય ગૃહ મંત્રાલયને સુપરત કર્યો હતો. કેન્દ્રના ગૃહ મંત્રાલયને તેમને ડિસમિસ કરવાના આદેશ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter