• વિધાનસભા ચૂંટણી ડિસેમ્બરમાંઃ ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં જાહેરસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. તે માટે કાર્યકરો તૈયાર રહે. જાહેરસભામાં આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. જાહેરસભામાં અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપની ગૌરવ યાત્રાથી કોગ્રેસનાં પેટમાં તેલ રેડાયું છે. ઈટાલિયન ચશ્મા કાઢીને ભારતીય નજરથી જુઓ તો વિકાસ અને ગૌરવ દેખાશે. જો રાહુલને ગુજરાતનાં સપનાં આવે છે તો તેઓએ વેકેશનમાં અમેરિકા નહીં પોરબંદર આવવું પડે.
• માર્ચ ૨૦૧૮ સુધીમાં ચંદ્રયાન-૨ લોન્ચ થશેઃ આઈઆઇએમ-એ ધ રેડ બ્રિક સમિટના ત્રીજા દિવસે પહેલી ઓક્ટોબરે ‘સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઇન્ડિયા’ થીમ પર ઈસરોના ચેરમેન એ એસ કિરણ કુમારે કહ્યું કે, ઇસરો લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે કામ કરે છે. સ્પેસ ટેક્નોલોજીમાં સ્ટાર્ટ અપ બાબતે તેમણે કહ્યું, આ પ્રારંભિક તબક્કો છે. અમે હવે એવી કેબિન પણ બનાવી રહ્યા છીએ કે જેમાં બેસીને માણસને મંગળ પર મોકલાય તો વધુ સુરક્ષિત રહી શકશે. ઈસરો માછીમારોને મોબાઈલ પર માછીમારી માટેનું માર્ગદર્શન મળે તેવી ટેક્નોલોજી વિકસાવશે. તેમણે કહ્યું કે, સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ જાતે વિકસી રહી છે અને તેનો આગામી ત્રણ દશકમાં નોંધપાત્ર કામગીરી અને વિકાસ કરશે. ચંદ્રયાન-૨ માર્ચ ૨૦૧૮ સુધીમાં લોન્ચ થશે. તેવું પણ જણાવ્યું હતું.
• દશેરાએ રૂ. ૭૮ કરોડના વાહનનું વેચાણઃ દશેરા પર્વમાં સોના ચાંદી અને વ્હીકલોનું ધૂમ વેચાણ થાય છે. જોકે આ વર્ષે બજારોમાં નોટબંધી અને જીએસટીની અસર વર્તાઈ હતી છતાં સામાન્ય દિવસો કરતા દશેરાએ સોના ચાંદીની ઘરાકી સારી હોવાનું વેપારીઓનું કહેવું છે. વ્હીકલની ખરીદીમાં ગત વર્ષ કરતાં સામાન્ય ઘટાડો થયો છે, પણ મોટો તફાવત નથી. એક જ દિવસમાં અંદાજે રૂ. ૫ કરોડના સોના-ચાંદી, રૂ. ૨૨ કરોડના ફોર વ્હીલર્સ અને રૂ. ૫૬ કરોડના ટુ વ્હીલર્સ શહેરમાં વેચાયા હોવાનું વેપારીઓનું કહેવું છે.
• કોંગ્રેસ મહિલાઓને ટિકિટ આપશેઃ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૨૬ બેઠકો પરથી મહિલાઓને ટિકિટ આપે તેવી શક્યતા છે. પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા પણ મહિલાઓને વધુ ટિકિટ મળે તે માટે માગ થઈ છે, સ્ક્રિનિંગ કમિટિની બેઠકમાં આ મામલે આખરી નિર્ણય લેવાઈ શકે તેમ છે. મહિલાઓએ આ અંગે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ અરજી કરી હતી. તે પ્રમાણે ૨૬ ક્ષેત્રમાં મહિલા ઉંમેદવાર પર પસંદગી ઉતારાશે.

