સંઘના પ્રચારક રહી ચૂકેલા આચાર્ય દેવવ્રત ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ

Wednesday 17th July 2019 06:59 EDT
 
 

ગાંધીનગરઃ આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે અને ઓ. પી. કોહલીની નિવૃત્તિ પછી તેમણે રાજ્યના રાજ્યપાલ તરીકે હોદ્દો સંભાળશે. મૂળે આરએસએસના પ્રચારક આચાર્ય દેવવ્રત આ અગાઉ ૨૦૧૫થી હિમાચલ પ્રદેશના ગવર્નર હતા, જ્યાં હવે નવા ગવર્નર તરીકે કલરાજ મિશ્રા મુકાયા છે. હરિયાણાના સમાલખામાં ૧૮મી જાન્યુઆરી, ૧૯૫૯ના રોજ જન્મેલા આચાર્ય દેવવ્રતે હરિયાણાની ગુરુકુળ સંસ્થામાં ૧૯૮૧થી પ્રિન્સિપાલ તરીકે સેવા આપી છે તેથી તેઓ આચાર્યના ઉપનામથી ઓળખાય છે. તેઓ પંજાબ યુનિવર્સિટીમાંથી હિન્દી વિષય સાથે અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે અને નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપથીમાંથી ડોક્ટર ઓફ નેચરોપથી એન્ડ યૌગિક સાયન્સમાં પણ ડિગ્રી ધરાવે છે.
કન્યા કેળવણી અને પર્યાવરણ જાળવણી એમના રસના વિષયો છે. આ અગાઉ ગુજરાતના રાજ્યપાલ તરીકેનો હવાલો પાડોશના રાજસ્થાન અથવા મધ્ય પ્રદેશના ગર્વનરને સોંપવાની ચર્ચા ચાલતી હતી. જો કે રાજ્યપાલ ઓ. પી. કોહલીની ટર્મ પૂરી થવાના છેલ્લા દિવસે આચાર્ય દેવવ્રતની રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂક કરતા તમામ અટકળોનો અંત આવ્યો હતો.
આગામી ઓગસ્ટ સુધીમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કેરળ, નાગાલેન્ડ જેવા રાજ્યોના રાજ્યપાલોની મુદ્દત પૂર્ણ થઈ રહી છે.
કર્ણાટકમાં ગુજરાતના વજુભાઈ વાળા રાજ્યપાલ તરીકે કાર્યરત છે અને હાલમાં કર્ણાટકમાં રાજકીય અંધાધૂંધી ચાલી રહી છે. તેવામાં તેમને મુદ્દત વધારો મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter