સંઘપ્રદેશનો પત્ર

Wednesday 18th May 2022 07:05 EDT
 
 

સંઘપ્રદેશ દીવ - દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારના જાણવા જેવા સમાચાર...

પાપ છાપરે ચઢીને પોકાર્યુંઃ 23 વર્ષ બાદ પોલીસ ઇન્સપેક્ટર સસ્પેન્ડ

હાલ દીવમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર (પીઆઈ)એ જે તે સમયે ભરતી પ્રક્રિયા વેળા જન્મનાં પ્રમાણપત્રના બનાવટી દસ્તાવેજ રજૂ કરીને નોકરી મેળવી હોવાનું તપાસમાં બહાર આવતાં ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)એ સસ્પેન્શનનો ઓર્ડર કર્યો છે. આ સાથે જ બરતરફ પીઆઇને પોલીસ કિટ જમા કરાવી દઇને દીવનું હેડ કવાર્ટર ન છોડવાનો પણ આદેશ કર્યો છે. સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ડીઆઇજી વિક્રમજીત સિંહે દીવના ઇન્ચાર્જ પીઆઇ પંકેશ ટંડેલે ભરતી પ્રક્રિયામાં જન્મ પ્રમાણપત્ર બોગસ રજૂ કરીને પોતાની ઉંમર છૂપાવી હોવાનું તપાસમાં બહાર આવતા સસ્પેન્ડ કરાયા છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 23 વર્ષથી પીઆઇ ટંડેલ દમણ અને દીવમાં નોકરી કરી છે. જાણવા મળતી વિગત મુજબ દીવ પોલીસ મથકમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવતા પંકેશ કલ્યાણ ટંડેલ પીએસઆઈની સીધી ભરતીમાં નિમણૂંક પામ્યા હતા. જોકે, એ સમયે રજૂ કરવામાં આવેલા જન્મના પ્રમાણપત્રમાં છેડછાડ કરી હતી. ફરિયાદ થતા તપાસ બાદ સંઘપ્રદેશ દીવ-દમણ અને દાનહના ડીઆઇજીએ પીઆઈ પંકેશ ટંડેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પીઆઇ ટંડેલે દમણની કોન્વેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. વર્ષ 1985-96માં તેમણે એસએસસી બોર્ડની પરીક્ષા આપી હતી. શાળામાં તેમના GR નંબર 3283 અનુસાર જન્મતારીખ 15 જૂન 1970 છે. સ્કૂલ રેકોર્ડ અનુસાર અરજી સમયે તેમની આયુ વધુ હોવાથી તેમણે જન્મના બોગસ પ્રમાણપત્ર રજૂ કરીને નોકરી મેળવી હતી.

15 વર્ષ પછી કોંગ્રેસે દીવમાં પણ સત્તા ગુમાવી

દીવ નગરપાલિકામાં ૧૫ વર્ષથી એકચક્રી શાસન કરી રહેલી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્‍યો છે. પાર્ટીના કુલ નવ કાઉન્‍સિલરોમાંથી સાત સાગમટે ભાજપમાં જોડાઇ જતાં સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઇ છે. કાઉન્‍સિલરો ઉપરાંત ડઝનબંધ સમર્થકોએ પણ ભાજપમાં જોડાઇ જવાનો નિર્ણય કર્યો છે. તાજેતરના પક્ષપલટા પછી પાલિકામાં કોંગ્રેસની બેઠકોની સંખ્‍યા ઘટીને માત્ર બે થઈ ગઈ છે. તો બીજી તરફ ભાજપ ૧૦ કાઉન્‍સિલરો સાથે બહુમતીમાં આવી ગયું છે.
દીવના ઘોઘલામાં યોજાયેલી જાહેર સભામાં સાત કાઉન્‍સિલરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. જેમાં હરીશ કાપડિયા, દિનેશ કાપડિયા, રવીન્‍દ્ર સોલંકી, રંજન રાજુ વણકર, ભાગ્‍યવંતી સોલંકી, ભાવના દુધમલ અને નિકિતા શાહના નામનો સમાવેશ થાય છે. દાદરા અને નગર હવેલી અને દમણ દીવના પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિજય રાહટકરે પાર્ટીમાં કાઉન્‍સિલરોનું સ્‍વાગત કર્યું હતું.
ખાસ વાત એ છે કે છ મહિના પહેલા દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના વહીવટી તંત્રે કોંગ્રેસશાસિત દીવ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલના પ્રમુખ હરીશ સોલંકીને સસ્‍પેન્‍ડ કરી દીધા હતા. રાહટકરનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના ભાજપની ‘વિકાસની રાજનીતિ'ને સમર્થન આપવા માટે કાઉન્‍સિલરો ભાજપમાં જોડાયા છે. દીવ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલમાં સાત કાઉન્‍સિલરોએ એક સાથે પાર્ટી છોડી દેતાં કોંગ્રેસે બહુમતી ગુમાવી છે. વર્ષ 2007માં પાર્ટીએ અહીં ચૂંટણી જીતી ત્યારબાદ 2012, 2017માં પણ સફળતાનું પુનરાવર્તન કર્યું. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 13માંથી 10 બેઠકો જીતી હતી. જયારે ભાજપના ખાતામાં માત્ર ત્રણ બેઠકો આવી હતી. હાલની સ્‍થિતિમાં હિતેશ સોલંકી અને તેમના ભાઈ જીતેન્‍દ્ર સોલંકી જ કોંગ્રેસના કાઉન્‍સિલર બાકી છે. ઉપપ્રમુખ પદે રહેલા મનસુખ પટેલનું ગયા વર્ષે નવેમ્‍બરમાં અવસાન થયું છે.
સોલંકીએ કોંગ્રેસ કાઉન્‍સિલરોના પક્ષ પરિવર્તન બદલ એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘2017માં જયારે તેમની નિમણૂક પ્રશાસક તરીકે થઈ ત્‍યારથી દીવનું રાજકારણ બદલાઈ ગયું છે. કાઉન્‍સિલરોએ મને જાણ કરી કે તેમના પર પક્ષ બદલવા માટે અથવા પરિણામ ભોગવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે હું જે રીતે લડી રહ્યો છું તે રીતે ભાજપ સામે લડવાની તેમની તાકાત નથી. આવી સ્‍થિતિમાં તેમની પાસે કદાચ ભાજપમાં જોડાવા સિવાય કોઈ વિકલ્‍પ નહોતો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter