દાનહમાં કૃષ્ણ જન્માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો
દાદરા નગર હવેલીમાં મંદિર અને સોસાયટીઓમાં નંદોત્સવની ઝાંખી સજાવવામા આવી હતી. સેલવાસના ગાયત્રી મંદિર, તિરુપતિ બાલાજી, લવાછા રામેશ્વર મહાદેવ મંદિર, દાદરા રામ મંદિરમાં શુક્રવારે રાત્રે કુષ્ણ જન્મોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જન્મોત્સવ બાદ મંદિરોમાં મટકી ફોડનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો. જન્મોત્સવને કારણે મંદિરોમાં અને સોસાયટીઓમાં જય ગોવિંદ જય ગોપાલ, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી જેવા ઉચ્ચારણથી વાતાવરણ કૃષ્ણમય બની ગયુ હતુ. આમલી તિરુપતિ બાલાજી મંદિરમાં કૃષ્ણ ભગવાનના બાલ સ્વરૂપ માટે પારણુ બનાવવામા આવ્યુ હતું. અહીં ભક્તો માખણ અને મિશરીનો પ્રસાદ ચડાવીને કૃષ્ણ ભગવાનના દર્શનનો લ્હાવો માણ્યો હતો. બધા મંદિરો અને સોસાયટીઓમાં રાત્રે 12 વાગ્યે નંદોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જન્માષ્ટમી બાદ ભગવાનની ઝાંખી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા. લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમાં 105વર્ષથી સપ્તાહનું આયોજન કરાય છે, જેની પુર્ણાહુતી બાદ કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કિલવણી નાકા પર વેપારી એસોસિએશન દ્વારા મટકી હંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
દાદરા નગર હવેલીમાં 76મા સ્વાતંત્રય પર્વની શાનદાર ઉજવણી
દાદરા નગર હવેલીમાં 15મી ઓગસ્ટના રોજ 76મા સ્વાતંત્ર્ય પર્વે સેલવાસ સ્ટેડિયમ ખાતે શાનદાર સમારોહ યોજાયો હતો. પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્તે ધ્વજારોહણ બાદમાં પોલીસ રક્ષક દળ અને એનસીસી કેડેટસ દ્વારા માર્ચપાસ્ટ યોજાઇ હતી. ત્યારબાદ પ્રશાસક પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ પ્રદેશમાં અંદાજીત 7000 કરોડ રૂપિયાના વિકાસકામો થયા છે. હાલમાં જીલ્લા પંચાયત વિસ્તારમાં જે રસ્તાઓ ખરાબ છે એના માટે રૂ. 100 કરોડના ખર્ચે નવા રસ્તા બનશે. પાલિકા વિસ્તારમાં પણ જર્જરિત રસ્તાઓ છે, એને પણ રીપેર કરવામાં આવશે. ઉદબોધન બાદ પ્રસાશક દ્વારા સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને પોલીસને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા. પ્રશાસકે ખાસ દાદરા નગર હવેલીના ભારત સરકારમાં જોડવાના સમયે સંધિ વેળા ઉપસ્થિત જમનીબેનનું શાલ ઓઢાડી સન્માનિત કરવામા આવ્યું હતું. પોલીસ હેડ ક્વાટર ખાતે એસપી દ્વારા ધ્વજવંદન કરાયું હતુ, સેલવાસ પાલિકા કચેરી ખાતે પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અવસરે પાલિકા સીઓ મનોજ પાંડે, પાલિકા સભ્યો અને સ્ટાફ હાજર રહ્યો હતો. જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ નિશાબેન ભવરના હસ્તે ધ્વજવંદન કરાયુ હતું. આ પ્રસંગે અનેક સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિતે મૌન રેલી - પ્રદર્શન
દાદરા નગર હવેલી પ્રસાશન દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિતે મૌન રેલી કાઢવામાં આવી હતી. સાથે સાથે કલા ભવન ખાતે પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને કલેકટરના હસ્તે લીલી ઝંડી બતાવી રવાના કરવામા આવી હતી. દેશના ભાગલા દરમ્યાન જે દુઃખદ ઘટનાઓમાં લાખો લોકો બેઘર થયા હતા, અસંખ્ય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડયો હતો, પોતાની જમીન - નોકરીઓ છોડીને શરણાર્થી તરીકે રહેવું પડયું હતું જેનું દર્દ લાખો લોકોએ દસકાઓ સુધી સહન કર્યું હતું તેની યાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિભાજન વિભીષિકાને ભારતીય ઇતિહાસમાં ના ભુલવાની ઘટના જણાવતા આ ઘટનાને સહન કરનારની સ્મૃતિમાં વિભાજન સ્મૃતિ દિવસ મનાવવાનું આહવાન કર્યું હતુ. સેલવાસ કલેકટર કચેરીથી મૌન રેલી શરૂ થઇ હતી જે કિલવણી નાકા થઇ પોલીસ હેડ ક્વાર્ટરથી કાળા કેન્દ્ર પર પહોંચી હતી. જ્યાં વિભાજન વિભીષિકા પર લગાવવામા આવેલ પ્રદર્શનનુ અનાવરણ કલેકટરના હસ્તે કરવામા આવ્યુ હતુ. આ અવસરે કલેકટર ભાનુ પ્રભા, ખાનવેલ આરડીસી શુભમ સિંગ, જીલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવર, પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


