અમદાવાદઃ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સામેના ૩૦ વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસની ગંભીર નોંધ લઇને સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને આદેશ કર્યો છે કે આ કેસની સુનાવણી ઝડપથી અને ૨૦મી જૂન, ૨૦૧૯ સુધીમાં પૂરી કરવામાં આવે. સુપ્રીમે નોંધ્યું હતું કે, આ કેસ ખૂબ જૂનો છે અને તેમાં પીટિશનો દાખલ કરી કરીને ટ્રાયલ લંબાવવા માટે પ્રયાસો થયાં છે. આરોપી પોલીસ અધિકારી હોવાથી જુદા-જુદા તબક્કે અલગ મુદ્દા ઉપસ્થિત કરીને ટ્રાયલ લંબાવાઈ હોય તેમ લાગે છે. આ ટ્રાયલ અતિગંભીર અને માનવ અધિકારનો મુદ્દા સાથે સંકળાયેલી છે ત્યારે આ કેસમાં હવે વધુ વિલંબ માટે આરોપી પોલીસ અધિકારી સહિત કોઇ પણ પક્ષ દ્વારા કોઈ અરજી કરવામાં આવે તો તે ધ્યાને નહીં લેવા પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસના આરોપી પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ નાર્કોટિકસનો ખોટો કેસ કરવા બદલ હાલમાં પાલનપુરની જેલમાં છે.


