અમદાવાદ: મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી નવજીવન સંસ્થા અને તુલસી વલ્લભનિધિ ટ્રસ્ટ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડમાં શનિવારથી પૂ. મોરારિબાપુની વાણીમાં કસ્તુરબાના સ્મરણમાં રામકથાનું આયોજન કરાયું છે. પૂ. મોરારિબાપુએ માનસ નવજીવન રામકથાની શરૂઆતમાં ઉપસ્થિત ભાવિકોને કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે, ‘બા જન્મ આપે છે, બાપુ આપણને જીવન આપે છે, પણ બુદ્ધ પુરુષ નવજીવન આપે છે. આ કથામાં મહામંડલેશ્વર ૧૦૦૯ ભારતીબાપુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
માતૃભાષા દિવસને યાદ કરીને પૂ. મોરારિબાપુએ નાગરિકોને આહવાન કરતાં કહ્યું કે, તમારા સંતાનોને ભલે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવો, પણ મહેરબાની કરીને ઘરમાં તો તેમની સાથે ગુજરાતીમાં જ વાત કરો. આપણી ભાષાને આપણે પકડી રાખવાની છે.


