અમદાવાદઃ ઉત્તરાયણની ઉજવણી તેમજ પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી ગુજરાત હાઇ કોર્ટે ફગાવીને માપસરની અને કોવિડ ગાઇડલાઇનના પાલન સાથેની ઉત્તરાયણની ઉજવણીને લીલી ઝંડી આપી એ પછી રાજ્યમાં લોકોએ ઉત્તરાયણ ઉજવવાની તૈયારી કરી હતી. રાજ્ય સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, દિવાળી પછી જેમ કોરોના કેસમાં ઉછાળો આવ્યો તેમ ઉતરાણે ન થાય તે માટે રાજ્ય સરકારે ગાઇલાઇન તૈયાર કરી હતી જે અંગે હાઇ કોર્ટે અગાશી પર માત્ર ફ્લેટ કે સોસાયટીના રહીશોને જ પરવાનગી અને કોઇ મહેમાનોને આમંત્રણ નહીં આપવા તેમજ મ્યુઝિક સિસ્ટમ પર પ્રતિબંધની જોગવાઇ સાથે હાઇ કોર્ટે ઉત્તરાયણની ઉજવણીને પરવાનગી આપી હતી. જોકે ૧૧મીએ જાહેર કરાયું હતું કે, ઉત્તરાયણમાં ધાબા ઉપર ભીડ ભેગી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે પોલીસ અમદાવાદમાં ૫૦ ડ્રોનથી વીડિયોગ્રાફી કરશે. શહેરમાં ૨૫૦ જેટલા ધાબા પોઇન્ટ પર પણ પોલીસ તહેનાત રહેશે અને તેઓ પણ સતત વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી કરશે.
રૂ. ૩.૪ કરોડના પતંગની ખરીદી
હાઈ કોર્ટે ઉત્તરાયણ અંગે આઠમીએ નિર્ણય જાહેર કર્યા પછી અનિશ્ચિતતા પૂરી થતાં અમદાવાદમાં રાયપુર, દિલ્હી દરવાજા, ટંકશાળ સહિતના પતંગ બજારમાં ઘરાકી ખૂલી હતી. ઉત્તરાયણ પહેલાનો છેલ્લો રવિવાર હોવાથી લોકોએ મોટી સંખ્યામાં પતંગ દોરીની ખરીદી કરી હતી. મંજૂરીના બે દિવસમાં જ વેચાણ ૪૦ ટકા વધ્યું હતું. શનિ-રવિમાં પતંગ શોખીનોએ રૂ. ૩.૪ કરોડની પતંગ અને કુલ ૧ કરોડની દોરી ખરીદી હતી.














