અમદાવાદઃ ત્રીજી એપ્રિલે ભાજપના સ્થાનિક કાર્યાલય ખાનપુરમાં યોજાયેલી ભાજપની સભામાં દર મિનિટે અમદાવાદને કર્ણાવતી મહાનગર કહેવાતું હતું, પણ શહેરથી માંડીને કેન્દ્ર સુધી ભાજપની સત્તા હોવા છતાં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની હિંમત શાસકો દાખવી શકતા નથી.
દેશની અનેક જગાઓએ છેલ્લા વર્ષોમાં આધુનિક નામો પડતાં મૂકીને જગાઓનાં અસલ નામો અપનાવ્યાં છે, પરંતુ અમદાવાદમાં વર્ષોથી ભાજપની સત્તા હોવા છતાં માત્ર ભાષણમાં કર્ણાવતી મહાનગરનો ઉલ્લેખ થાય છે. ઈતિહાસ પ્રમાણે અમદાવાદનું મૂળ નામ કર્ણાવતી જ હતું એટલે એ નામ રાખવા માટે ઠરાવ પસાર કરવાથી વિશેષ કશું કરવાનું નથી. ગુજરાતમાં આજેય લોકો ખોટી રીતે બરોડા શબ્દ વાપરે છે, પણ ૧૯૭૪થી એ શહેરનું નામ સત્તાવાર રીતે ફેરવીને વડોદરા કરી દેવાયું છે. એ સિવાય ગુજરાતમાં કેમ્બેનું ખંભાત થયું છે, બુલસરનું વલસાડ થયું છે. બરોચનું ભરુચ થયું છે. દક્ષિણના રાજ્ય કર્ણાટકે વર્ષ ૨૦૧૪માં એક સાથે ૧૩ શહેરના નામો બદલી નાંખ્યા હતા. નાનકડા કેરળના ૧૮થી વધુ સ્થળોના નામો બદલાયાં છે. તમિલનાડુએ ૧૪ સ્થળોના નામો બદલ્યાં છે. નવા સવા રચાયેલા તેલંગાણાએ પણ સાત સ્થળોનાં નામ બદલાવી નાંખ્યા છે.
ભાજપે જ ભૂતકાળમાં અમદાવાદનું કર્ણાવતી અને અલાહાબાદનું પ્રયાગ નામકરણ કરવાના પ્રસ્તાવો રજૂ કર્યા હતા, પણ એ પ્રસ્તાવોનો હજુ સુધી કોઈ નિષ્કર્ષ લાવી શક્યા નથી.


