ગાંધીનગરઃ સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે ૧૨મીએ પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલ પર આક્ષેપ કર્યાં કે, સત્તાની લાલચને સંતોષવા હાર્દિક પટેલે અનામતના નામે સમાજની લાગણી ભડકાવી તેનો પગથિયા તરીકે ઉપયોગ કર્યો છે. હવે ચૂંટણી લડવાની ઉંમર થતાં જ તે કોંગ્રેસમાં ભળી ગયા છે. આ જોતાં હાર્દિકે સમાજ સાથે દ્વોહ કર્યો છે. લાલજી પટેલે કહ્યું કે, વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વખતે હાર્દિક છુપાઈ છુપાઈને હોટલોમાં કોંગ્રેસના નેતાઓને મળતો હતો. જોકે હાર્દિકની ઉંમર એ વખતે ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે તેટલી ન હતી. હવે ૨૫ વર્ષ પૂરાં થતા તે કોંગ્રેસમાં જોડાયો છે. તેનાથી સમાજની એકતા અને પ્રતિષ્ઠાને ઐતિહાસિક નુકસાન થયું છે.

