યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક ધારા) હેઠળ રાજ્યના દરેક નાગરિક માટે એક જ પ્રકારના દીવાની કાયદા લાગુ રહેશે, જેમાં લગ્ન, છૂટાછેડા, દત્તક સંતાન, વારસાઇ, મિલકતની વહેંચણી, ધાર્મિક મિલકતો વગેરે માટે વિવિધ ધર્મ પાળનારા માટે જુદા પર્સનલ લો બોર્ડ છે તેને સ્થાને દરેકને એક જ કાયદો હશે.
તેથી મુસ્લિમોમાં બહુપત્નીત્વ અને તલાકના નિયમો પર અંકુશ આવશે. એવી જ રીતે, મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓની વકફ બોર્ડની મિલકતો પર અન્ય સખાવતી સંસ્થાઓ પર લાગુ પડતાં કાયદા જ લાગુ થશે.
• કયા નિયમો બનશે તે મુદ્દે સ્પષ્ટતાનો અભાવ
આ જાહેરાત કરતી વખતે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ કહ્યું કે હજુ રાજ્ય સરકારે આ કાયદામાં કયા નિયમો અને મુસદ્દા આવરી લેવા તે અંગે કોઇ જાહેરાત કરી નથી. જજના વડપણ હેઠળની કમિટી બન્યા બાદ તેઓ સરકારને અભિપ્રાય આપશે.
• ચૂંટણીમાં ગેમ ચેન્જર બને તેવો મુદ્દો
વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર આ મુદ્દે પ્રચારનો ધમધમાટ કરશે. બહુમતી મતદારો માટે આ પ્રકારનો પ્રચાર આકર્ષક રહેશે. ભાજપ તેના સોફ્ટ હિન્દુત્વના મુદ્દાને આ રીતે આગળ ધપાવશે.
• એકમાત્ર ગોવામાં કાયદો અમલી
ગોવામાંથી વિદેશી શાસન ખતમ થયા પછી રાજ્ય સરકારે સમાન નાગરિક ધારો લાગુ કરેલો છે અને તે ભારતનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં આ કાયદો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સમાન નાગરિક ધારાના અમલની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, પણ અમલ કર્યો નથી.
• ઉત્તર પ્રદેશ - ઉત્તરાખંડ - હિમાચલમાં માત્ર જાહેરાત
ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની ભાજપ શાસિત રાજ્ય સરકારોએ વિધાનસભાની ચૂંટણી પહેલા આ કાયદો લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત હિમાચલે પણ આવી જ જાહેરાત કરી હતી. અલબત્ત ત્રણમાંથી એક પણ ભાજપ શાસિત રાજ્યે હજુ સુધી આ કાયદો અમલી કર્યો નથી.
• કાયદાનો અમલ કરવો ઘણો અઘરો
આ કાયદો લાગુ કરવાનું સરકાર માટે ઘણું અઘરું બની રહેશે. આ વાતનું ઉદાહરણ ઉત્તરાખંડ છે. અહીં જાહેરાત કર્યાંને દોઢ વર્ષ થયું છતાં ઉત્તરાખંડ સરકાર આ મુદ્દે હજુ કાંઇ ખાસ કરી શકી નથી.
• તો પછી આદિવાસીઓના અધિકારોનું શું?
હાલ ગુજરાતમાં કુલ વસ્તીના 14 ટકા આદિવાસીઓ છે. તેમના માટે આ કાયદો લાગુ રહેશે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી. જો આ કાયદો દરેક માટે લાગુ થાય તો આદિવાસી સમાજમાં એક કરતાં વધુ લગ્નો અને તેમની મિલકતના વેચાણ પણ મૂકાયેલા પ્રતિબંધોને લઇને પણ સમસ્યાઓ સર્જાઈ શકે છે.
• ભાજપ શાસિત રાજ્યોમાં જ પહેલ
માત્ર ભાજપ શાસિત રાજ્યો જ સમાન નાગરિક ધારા માટે પહેલ કરી રહ્યા છે. અગાઉ કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કરીને જણાવી ચૂકી છે કે તેઓ સંસદને સમાન નાગરિક ધારો લાગુ કરવા જણાવી શકે નહીં. અલબત્ત ગોવાના સિદ્ધાંત પ્રમાણે અને બંધારણની કલમ 14 પ્રમાણે રાજ્ય સરકારો તેમના અધિકાર ક્ષેત્રમાં આ કાયદો લાગુ કરી શકે છે. તેથી આ કાયદા ફક્ત ભાજપ શાસિત રાજ્યોમાં જ લાગુ થાય એવું બની શકે છે.


