અમદાવાદઃ રાજ્યમાં પાટીદારોને અનામતનો મુદ્દો તીવ્ર રીતે ઉઠ્યો છે ત્યારે રાજ્યનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સમાજમાં શાંતિ, સૌહાર્દ જળવાય તે માટેની અપીલ કરી હતી. સમાચાર માધ્યમો દ્વારા અપાયેલી એક જાહેરાતમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે તે સરદાર સાહેબનું અપમાન છે.
ચર્ચા વિચારણાનું યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને પ્રશ્નો ઉકેલવા સરકાર કટિબદ્ધ છે. સરકાર બધી જ્ઞાતિ, સમાજના સૂચનને ધ્યાને લઈ મદદરૂપ થવા તૈયાર છે.
પાટીદાર આંદોલન સંદર્ભે કહ્યું કે, સમાજના આગેવાનો અને મુરબ્બીઓ જ્યારે આંદોલનના મધ્યસ્થી બનવાની વાત કરે છે તો તેમની અવગણના કરવામાં આવે છે. આ તો વડીલોનું માન નહિ જાળવીને ખોટું કરી રહ્યા હોવ તેવું છે. આમ આનંદીબહેને આંદોલનનો માર્ગ છોડવાની અપીલ કરી છે. ગુજરાતમાં ૧૯૮૪-૮૫માં જ્યારે આંદોલન થયું હતું ત્યારે ગુજરાતની ગરિમાને ઝાંખપ લાગી હતી.
તેમણે નાગરિકોને સ્પષ્ટ કરી છે કે, બંધારણની જોગવાઈઓ, સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે એસસી, એસટી અને ઓબીસીની અનામત ટકાવારીમાં આપણે કોઈ જ ફેરફાર કરવા માંગતા નથી અને ૫૦ ટકાથી વધારે અનામત કોર્ટના ચુકાદાઓને કારણે આપી શકવાના નથી. અગાઉ જે રાજ્યોએ અનામત આપી તેને સુપ્રીમ કોર્ટ અને રાજ્યોની અદાલતે રદ્ કરી હતી.આમ આ સરકાર અનામત મુદ્દે કોઈ ઠાલા વચનો આપવા માગતી નથી. મુખ્ય પ્રધાને પાટીદાર અનામતની માગણી કેટલે અંશે યોગ્ય છે તેમ કહીને પણ સવાલો ઊભા કર્યા છે.
તેમણે કહ્યું કે, દરેક વર્ગ, સમાજ, સંસ્થાઓના-વ્યક્તિ સમૂહોના પ્રશ્નો હોય અને સમય સાથે નવા પ્રશ્નો આવે પણ ખરા, પરંતુ આંદોલન-રેલીઓથી તેનો ઉકેલ તો ન જ આવે.
અનામતની જોગવાઈથી ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ અને નોકરીઓ અંગે પડતી અસરો વિશે અન્ય વૈકલ્પિક ઉપાયોથી નિરાકરણ આવી શકે તેમ છે. બધી સમસ્યાના ઉપાય સૂચવવા એટલે જ તો સરકારે પ્રધાન મંડળના સાત પ્રધાનોની કમિટી પણ બનાવી છે.