અમદાવાદઃ જીએલએસ કોલેજના ચોથા સ્થાપના દિનની ઉજવણીએ પાંચમીએ એમ એસ યુનિ.ના પૂર્વ કુલપતિ અને યુકેના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ ભીખુ પારેખ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા. તેમણે આ પ્રસંગે કહ્યું કે, સરકારનું લક્ષ્ય ‘કોમન સિવિલ કોડ’ નહીં પણ ‘કોમન પબ્લિક કલ્ચર’ હોવું જોઇએ. જ્યાં સુધી દરેક નાગરિક માટે સમાન સાંસ્કૃતિક વાતાવરણ નહીં થાય ત્યાં સુધી યુનિફોર્મ સિવિલ કોડ નહીં લાવી શકાય. કાયદો એ સંસ્કૃતિનું જ એક પ્રતીક છે. તેથી સરકારે એક સર્વસમાવેશી, સહિયારી સાંસ્કૃતિક કાર્યપદ્ધતિ આપવી પડે. પર્સનલ લોને બંધારણીય સિદ્ધાંતોથી અમલી કરવા જોઇએ અને કોમન સિવિલ કોડમાં ન્યૂનતમ મુદ્દા હોવા જોઇએ. વર્તમાન રાજકારણની વાત નથી કરવી, પણ લઘુમતીઓને ભય રહે છે. જો સમુદાયો વચ્ચે વિશ્વાસ જન્મે તો કોમન સિવિલ કોડ શક્ય બને. ‘કાયદાકીય બહુમતીવાદ અને સાંસ્કૃતિક વૈવિધ્યતા’ વિષયે વ્યાખ્યાનમાં તેમણે કહ્યું કે, સાંસ્કૃતિક વિવિધતા એટલે આચાર-વિચાર, ખાન-પાન, રીતિ-રિવાજ બધામાં રહેલી વૈવિધ્યતા. આ તમામને સંસ્કૃતિ આકાર આપે છે. ઉપરાંત વિવિધ સંસ્કૃતિ અને સમુદાયના પોતાના પર્સનલ લો પણ છે. સંપત્તિ, વારસાઇ, કૌટુંબિક મુદ્દા, લગ્ન, છૂટાછેડાના દરેક ધર્મ કે સમુદાયમાં કાયદા જુદાં છે. પર્સનલ લો દરેક ધર્મ સમાજની સાંસ્કૃતિક ઓળખ છે, પરંતુ તે મહિલાઓ પ્રત્યે પૂર્વાગ્રહ પણ ધરાવે છે. રાજકારણમાં પણ તે પ્રભાવી હોવાથી દરેક વ્યક્તિને થાય છે કે તે ચોક્કસ ધાર્મિક સમુદાયની છે.
કોમન સિવિલ કોડની ન્યાયસંગતતા અંગે પુછાતાં તેમણે કહ્યું કે, પર્સનલ લોમાં વૈવિધ્ય હોવાથી બધામાં દેશ પ્રત્યે સમાન દેશભાવના કઇ રીતે આવે? વળી, યુનિફોર્મ સિવિલ કોડની વ્યાખ્યા કોયડારૂપ છે. એમાં ‘કોમન’ના બદલે ‘યુનિફોર્મ’ શબ્દ છે. ‘સિવિલ’ પર ભાર મુકાયો છે અને ‘કોડ’ની વાત કરાઇ છે. હિંદુ સિવિલ કોડમાં પણ ચાર જુદાં કાયદા છે. તેથી યુનિફોર્મ સિવિલ કોડ સામે પણ પ્રશ્નો ઉદભવે. પર્સનલ લો દૂર થવો જોઇએ એવું કહેવાય છે, પણ તે સંસ્કૃતિનો ભાગ ગણાય છે અને સમાજને સંસ્કૃતિને ભોગવવાનો હક છે. તેવી વિસંગતતા છે. તેથી એક સર્વાંગી સર્વસમાવેશી સંસ્કૃતિના નિર્માણ વગર ‘યુનિફોર્મ સિવિલ કોડ’ શક્ય નથી.’ કાર્યક્રમમાં અજમેર શરીફ દરગાહના ‘ચિશ્તી ફાઉન્ડેશન’ના ટ્રસ્ટી સલમાન ચિશ્તી, ગુજરાત લો સોસાયટીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુધીર નાણાવટી, કોલેજના ડિરેક્ટર ડો. મયૂરી પંડ્યા, ગુજરાત યુનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યા, સિનિયર એડવોકેટ એસ. એન. શેલત, એડવોકેટ વૈભવી નાણાવટી અને કાયદાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
તમને ભારતરત્ન અપાયો એ યોગ્ય લાગે છે?: ભીખુ પારેખ
સુધીર નાણાવટીએ લોર્ડ ભીખુ પારેખને વિરાટ કોહલી સાથે સરખાવીને પરિચય કરાવ્યા પછી પારેખે હળવાશમાં એક પ્રસંગ વર્ણવ્યો કે, મારે સચિન, વેંગસરકર, દ્રવિડ અને ગાવસ્કરને મળવાનું થયું હતું. મેં સચિનને પૂછ્યું હતું કે, નહેરુ અને આંબેડકરની સમકક્ષ ભારતરત્ન તમેને અપાયો એ યોગ્ય લાગે છે? ત્યારે સચિને કહ્યું કે રાષ્ટ્રપતિએ આપવાનો નિર્ણય લીધો તેથી હું શું કહી શકું? મેં પૂછ્યું કે, ટીવી પર ગમે એ વેચવાનો પરવાનો છે? તો સચિને કહ્યું કે, ના પણ નથી!
ચીન – નાઇજિરિયાનું ઉદાહરણ
કાયદા અને સાંસ્કૃતિક સંબંધનું ઉદાહરણ આપતાં લોર્ડ ભીખુ પારેખે કહ્યું કે, ચીનમાં અવૈધ સંબંધો રાખતી પત્નીની હત્યામાં પતિને જજ મૃત્યુદંડ આપે છે ત્યારે ચાઇનીઝ સમાજ દુ:ખી થાય છે કે પતિને પશ્ચાતાપ છે. ચીનમાં આ સંવેદના જુદી રીતે વ્યક્ત કરાય છે જે જજને જાણ નહોતી તેથી તેમણે પતિને મૃત્યુદંડ આપ્યો. જ્યારે ઇંગ્લેંડમાં એક નાઇજિરિયન મહિલાને બાળકના ચહેરા પર ઇજાના ગુનામાં કોર્ટમાં હાજર રખાઇ ત્યારે વકીલે જજને સમજાવ્યા કે ચહેરા પરનો ડાઘ એ મહિલાની ટ્રાઇબલ કમ્યુનિટીમાં કરાતું ચિહ્ન છે. જેથી જજે મહિલાને ગુનેગાર ન ગણી.
લોર્ડ ભીખુ પારેખના સૂચન
બંધારણમાં સુધારા કરીને પર્સનલ લોને લિંગ સમાનતાના સિદ્ધાંત આધારિત બનાવવા જોઇએ.
પર્સનલ લો બંધારણના સિદ્ધાંતોનો ભંગ ન કરવા જોઇએ.
યુનિફોર્મ સિવિલ કોડ તબક્કાવાર લાગુ કરી શકાય.
પર્સનલ લોને સમન્વયિત કરતો કાયદો સંસદમાં લાવી શકાય
પર્સનલ લોમાં લોકહિતની સારી બાબતોને કોમન સિવિલ કોડમાં સમાવવી.


