અમદાવાદઃ અનામતના મુદ્દે પાટીદારો આનંદીબેન પટેલ સરકાર સામે લડવાના મૂડમાં છે. પાટીદારોએ હવે સરકાર સામે અસહકારની નીતિ અપનાવશે. સરદાર પટેલ ગ્રૂપે રાજ્ય સરકારના કોઇપણ કાર્યક્રમમાં ભાગ નહીં લેવા પાટીદારોને અપીલ કરી છે. ૧૧ સપ્ટેમ્બરે મહેસાણા અને ગઢમાં તોફાનો દરમિયાન મૃત્યુ પામેલા ત્રણ લોકોના પરિવારજનોને રૂ. ત્રણ લાખની નાણાંકીય સહાય આપવામાં આવી હતી.
તોફાનોમાં પોલીસ દમન પછી પાટીદારોમાં નારાજગી વ્યાપી છે. પાટીદારોએ પોલીસ કેસ પાછા ખેંચવા અને જેલમાંથી પાટીદારોને મુક્ત કરવા માંગણી કરી છે પણ સરકાર સહકાર આપતી નથી આથી હવે તેઓ ભાજપ સરકાર સામે આક્રમક વલણ અપનાવશે. ગ્રૂપના પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું કે, કોઇપણ સરકારી કાર્યક્રમમાં ન જવા પાટીદારોને અપીલ કરાઇ છે. ઊંઝામાં પણ પાટીદારોએ ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો. સરકારને સંદેશો આપવા માટે આગામી દિવસોમાં હજુયે અહિંસક રીતે આંદોલન કરશે.