ગાંધીનગરઃ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માગ સાથે અમરણાંત ઉપવાસ પર બેઠેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે ૧૨મી સપ્ટેમ્બરે ઉપવાસના ૧૯મા દિવસે પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના મોભીઓના હસ્તે પાણી પીને પારણાં કર્યા હતા. હાર્દિકે જણાવ્યું કે, સમાજની લાગણીને માન આપીને મેં પારણાં કર્યાં છે, પણ સરકાર સામે લડાઈ આગળ ચાલુ રહેશે. જીવીશું તો લડીશું, લડીશું તો જીતીશું. સમાજ સામે ઝૂકીશ પણ સરકાર સામે નહીં. સરકારે હાર્દિકની એક પણ માગણી માની નથી છતાં હાર્દિકનું માનવું છે કે તે જીતી ગયો છે.
હાર્દિકે જણાવ્યું કે, ૧૮ દિવસ ભૂખ્યા રહેવાથી બીજા ૧૮ વર્ષ સુધી લડવાની શક્તિ મળી છે. નીતિન પટેલ ભૂલી ગયા છે કે, તેઓ મારા કારણે નાયબ મુખ્ય પ્રધાન બન્યા છે.
બીજી તરફ પોલીસની કનડગત મામલે રિટમાં પોલીસ આવી પ્રવૃત્તિ અન્ય બનાવમાં ન કરે તેવી ગાઇડ લાઇન નક્કી કરાવાની માગ કરાઈ છે.
લીંબુ - નાળિયેર પાણીથી પારણા
પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના વડા નરેશ પટેલ, પ્રહલાદ પટેલ અને સી. કે. પટેલના હસ્તે ત્રણ અલગ અલગ ગ્લાસથી પાણી, લીંબુ પાણી અને નાળિયેર પાણી પીને પારણા કર્યા હતા. પારણા કરીને હાર્દિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. પારણા પછી ગાંધી આશ્રમની મુલાકાત લઈ હાર્દિક ભગતસિંહના બદલે ગાંધીના માર્ગે ચાલવાનો સંકલ્પ લીધો હતો.
સરકાર અને સમાજ બધું શાંતિથી ચાલશેઃ પટેલ
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે અગાઉ માન્યું ન હતું, પાટીદાર સમાજના લોકોની માગણી તે વખતે સ્વીકારી ન હતી, નરેશભાઈ પારણા કરાવવા ગયા હતા, પણ કર્યા ન હતા અને ગુજરાત સાથે કંઈ લેવા દેવા નથી એવા રાજકીય નેતાઓના હાથે હાર્દિકે પાણી પીધું હતું. બિનશરતી જે પારણા કર્યાં છે એ સારી વાત છે. સરકાર અને સમાજ બધુ શાંતિથી ચાલશે.


