વિરમગામઃ વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા બહાર આવેલા સરદાર વલ્લભભાઈના સ્મારક પાસે ૨૩ માર્ચે શહીદદિનના દિવસે પાટીદાર સમાજના તથા SPG ગ્રુપના કેટલાક યુવાનોએ શહીદ ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુને વિજય મુહૂર્ત સમયે શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર પાસ કન્વીનર હાર્દિક પટેલના વિરોધમાં તેના પૂતળાનું દહન કર્યું હતું.
હાર્દિકના પૂતળાનું દહન કરાતાં તેના એક સમયના નજીકના મિત્ર તેના જ ગામ વિરમગામ તાલુકાના ચંદનનગરના મયૂર પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, અનામત નામે હાર્દિકે સમાજને તોડવાનું કામ કર્યું છે તે સમાજનો હિટલર છે. પાટીદાર સમાજમાં ૧૪ પરિવારના જે સભ્યો શહીદ થયા તેનો હિટલર માત્રને માત્ર હાર્દિક પટેલ છે, પરંતુ હવે તેની હિટલરશાહી નહીં ચાલે. સમાજ ઓળખી ગયો છે ને સમજી ગયો છે માટે જ સુરત, વસ્ત્રાલ જેવી તેની સભાઓનું સુરસૂરિયું થવા પામ્યું છે અને હજુ તેનામાં તાકાત હોય તો વિરમગામમાં આવીને સભા કરી જુએ.

