સરદાર હતા સાંસ્કૃતિક કર્મ ચેતનાના પ્રતિનિધિ

Wednesday 16th November 2016 06:16 EST
 
 

ગાંધીનગરઃ ઓક્ટોબરની ૩૧મીએ ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈની ૧૪૧મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ પ્રભાવકારી રીતે ઊજવાયો. ઉદ્યોગ ભવન પાસે સરદારની વિશાળકાય પ્રતિમાને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પુષ્પવંદના કરીને નાગરિકોને શપથ લેવડાવ્યા પછી એ જ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના ઉપક્રમે સરદાર વલ્લભભાઈ સ્મૃતિ વ્યાખ્યાનનું પ્રથમ વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષપદે રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ હતા. ટ્રસ્ટના સભ્ય સચિવ કે. શ્રીનિવાસે પ્રાસ્તાવિકમાં જણાવ્યું કે આજથી અમારી આ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ થયો છે. તેના પ્રથમ વક્તા વિષ્ણુ પંડ્યાથી ગુજરાત અને દેશ એક તેજસ્વી વિચારક - લેખક - અધ્યાપક - સાહિત્યકાર - પત્રકાર - ઇતિહાસ સંશોધક તરીકે પરિચિત છે. તેમણે વિવિધ વિષયો પર ૯૩ પુસ્તકો લખ્યાં છે અને ૧૫ પુસ્તકો સાહિત્ય પરિષદ - સાહિત્ય અકાદમી - નર્મદ સભા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનિત થયાં છે. તેઓ ખરા અર્થમાં ઇતિહાસ - સંશોધક છે અને વ્યક્તિ તેમજ ઘટનાનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરે છે. સરદાર વિશે તેમનાં પુસ્તક ‘ગાંધી-સરદાર-સુભાષ’ને અત્યંત લોકપ્રિયતા સાંપડી છે.
પ્રથમ વ્યાખ્યાનમાં વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે આપણે દીપોત્સવીના ઊજાસમાં - નૂતન વર્ષે - એકત્રિત થયા છીએ ત્યારે સરદારની સાથે પ્રત્યક્ષ-પરોક્ષ બે દિવાળી ઘટનાનું સ્મરણ સ્વાભાવિક છે. ૧૯૪૭ના નવેમ્બરના આવા જ ઉત્સવોની વચ્ચે જૂનાગઢ મુક્તિનો સૂર્યોદય થયો તેને નવાજવા ખુદ વલ્લભભાઈ જૂનાગઢ આવ્યા. બહાઉદ્દીન કોલેજમાં ઐતિહાસિક ભાષણ આપ્યું અને ત્યાંથી સીધા સોમનાથ જઈને આ જિર્ણશીર્ણ ભગ્ન દેવાલયના જીર્ણોદ્ધારનો સંકલ્પ લીધો હતો.
બીજી ઘટના, ૧૯૬૨ની. ‘જબ દેશમેં થી દિવાલી, તબ વે ખેલ રહે થે હોલી...’ ચીનના આક્રમણ સામે ભારતીય સૈનિકો લડી રહ્યા હતા, ત્યારે સરદાર તો નહોતા, પણ સરદારે ૭ નવેમ્બર, ૧૯૫૦ના દિવસે લખેલા પત્રની સૌને યાદ તાજી થતી હતી. તેમણે નેહરુને પત્ર લખીને તિબેટના સંદર્ભમાં ચીનની દુષ્ટ નજરની ચેતવણી આપી હતી. પણ આ તો જવાહરલાલ! તેમણે જવાબમાં લખ્યું, ‘ધસ આઇ રુલ આઉટ એની મેજર અટેક ઓન ઇન્ડિયા બાય ચાઇના!’
વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે માત્ર આ બે જ ઘટનાઓ નહીં, સરદારનાં તમામ સિદ્ધિ શિખરોની આરપાર તેમનું એક અલગ વ્યક્તિત્વ ઊભરે છે તેને હું નામ આપું છું - સાંસ્કૃતિક કર્મચેતનાનું પ્રતિનિધિત્વ! ભાગ્યે જ બીજા રાજકીય નેતાએ આવું દર્શન કરાવ્યું હતું. રાજ્યોનું વિલિનીકરણ, જૂનાગઢ-હૈદરાબાદ પ્રશ્નોનો દૃઢતાથી ઉકેલ, બંધારણ સભામાં વિવિધ સમસ્યાઓ પર સ્પષ્ટ અંદાજ, કાશ્મીર વિશે ચેતવણી, પ્રિવી પર્સ અને ઇન્ડિયન સિવિલ સર્વિસ માટેના નિર્ણયો, સોમનાથનો ભારતના આસ્થા કેન્દ્ર તરીકે જીર્ણોદ્ધાર, લઘુમતી-બહુમતીની અલગાવવાદી માનસિકતા સમાપ્ત કરીને ‘સર્વજન સુખાય’ (બહુજનસુખાય નહીં!)ની કલ્પનાનાં ભારત માટેનું સ્વપ્ન અને સંપૂર્ણ સાદગીયુક્ત જિંદગીઃ આ દસ સોપાનનો નિષ્કર્ષ તેમના ‘સાંસ્કૃતિક કર્મચેતના’માં આવી જાય છે.
વ્યાખ્યાનમાળામાં વિવિધ વિભાગના સચિવો સર્વશ્રી રાઠોડ, એસ. અપર્ણા, હૈદર, ડાગુર, ભાગ્યેશ જ્હા સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો તેમજ નાગરિકો બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ હતી. નોંધનીય છે કે ગાંધીનગરમાં સ્થાપિત સરદાર પ્રતિમા નર્મદા કિનારે જે ૧૮૨ મીટરની ઊંચાઈ સાથે તૈયાર થઈ રહી છે તેની જ ૬૦ મીટરની પ્રતિકૃતિ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter