અમદાવાદઃ ૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી હતી. સરદારના નામે રાજનીતિ કરનારા કોઇ નેતા અમદાવાદમાં ભદ્ર ખાતે આવેલા સરદાર પટેલ સ્મારક ભવનની મુલાકાત સુદ્ધાં લેતા નથી. આજે સ્થિતિ એવી સર્જાઇ છે કે, ૧૫ વર્ષ સુધી સરદાર જ્યાં રહ્યા હતા તે સ્મારકનું રિનોવેશન પણ ભંડોળના અભાવે ખોડંગાતી ગતિએ ચાલી રહ્યું છે. ધીમા રિનોવેશનના કારણે સ્મારક હાલ બંધ હાલતમાં છે. હાલત એવી થઇ છે કે ભંડોળ મેળવવા માટે ટ્રસ્ટની જગ્યાઓ ભાડે આપવી પડે છે.
નોંધનીય છે કે, લાલદરવાજા-ભદ્ર પાસે આવેલું સરદાર પટેલ સ્મારક ભવન પહેલાં ગણેશ માવળંકરનું હતું. લોકસભાના પ્રથમ અધ્યક્ષ એવા ગણેશ માવળંકર અને સરદાર પટેલ પાકા મિત્ર હતા. અત્યારે હાલ જ્યાં આ સ્મારક ભવન છે ત્યાં સરદાર પટેલ ૧૯૧૩થી ૧૯૨૮ સુધી ૧૫ વર્ષ રહ્યા હતા. ગણેશભાઈ અને સરદાર બન્ને સાથે રહીને વકીલાત કરતા હતા. પરંતુ જ્યારે સંગ્રહાલય જોઇએ ત્યારે ખ્યાલ આવે કે અહીં કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આપ્યું નથી. આ સંગ્રહાલયમાં હાલ રિનોવેશન કામ ચાલે છે. અહીં ૧૯૯૨થી સેવા આપતા ક્લાર્ક અશ્વિનભાઈ દવેએ જણાવ્યું કે, સમારકામ ચાલતું હોવાથી સંગ્રહાલય બંધ હાલતમાં છે. જેમ જેમ ભંડોળની વ્યવસ્થા થાય છે તેમ કાર્ય આગળ વધે છે. સમારકામ હજુ બે મહિના ચાલે તેવું છે.
સ્મારક બંધ હોવા છતાં અશ્વિનભાઈ સંગ્રહાલય પર અચૂક હાજર રહે છે અને મુલાકાતે આવનાર લોકોને સરદાર વિશે રસપ્રદ માહિતી આપે છે. આ સંગ્રહાલયનો વહીવટ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટી પાસે છે. હાલ મળતી માહિતી મુજબ, આ ટ્રસ્ટ પાસે ભંડોળની કમી છે. જેના કારણે ભંડોળ મેળવવા માટે તે ઘણી જગ્યા ભાડે આપે છે. સરદાર પટેલનાં પુત્રી મણિબહેન જ્યાં બેસતા હતા, એ હોલ સમારકામ બાદ ટ્રસ્ટ દ્વારા ભાડે આપવાની તૈયારી છે. શાહીબાગમાં આવેલા સરદાર વલ્લભાઈ પટેલ નેશનલ મેમોરિયલમાં પણ ટ્રસ્ટનો હોલ ભાડે અપાય છે.
નોંધનીય છે કે, સરદારનું નામ વારતહેવારે લેતું મ્યુનિ. ભાજપ પણ સરદાર પટેલ સ્મારક ભવનના સમારકામની પરવાનગી નહોતું આપતું. જોકે હવે મંજૂરી મળતા ત્યાં રિનોવેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, તંત્ર તરફથી આ ટ્રસ્ટ સંસ્થાને કોઈપણ મદદ મળતી નથી તેવું અહીં કામ કરતા કર્મચારીઓનું કહેવું છે. આજથી ૨૫ વર્ષ પહેલાં ૨૪૦૦ રૂપિયા મળતા હતા. પરંતુ અત્યારે ટ્રસ્ટને કોઈ પણ મદદ તંત્ર તરફથી નથી મળતી.
સરદાર વલ્લભભાઇ ૧૫ વર્ષ અહીં રહ્યા હતા
હાલ ભદ્ર ખાતે જ્યાં સરદાર સ્મારક છે ત્યાં સરદાર પટેલ રહેતા હતા અને સામે કોર્ટમાં વકીલાત કરતા હતા. જ્યારે ગાંધીજી કોર્ટમાં આવ્યા ત્યારે સરદાર પટેલે કહ્યું હતું કે, આ ડોશો આપણને શું આઝાદી અપાવશે? જોકે ગાંધીજીનું ભાષણ સાંભળ્યા બાદ સરદાર તેમના શિષ્ય થઈ ગયા હતા. સરદાર આ સ્થળ પર ૧૫ વર્ષ સુધી રહ્યા હતા.


