અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારોએ પણ અનામત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના ૩૩ જેટલાં વારસદારો અત્યારે છે. જેમાં અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતાં કેવલ પટેલે આંદોલનને ટેકો જાહેર કર્યો છે. જે વાતને સરદાર પટેલ કરમસદ સમાજ, યુએસએ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ન્યૂ જર્સી ખાતેના ૪૨૯ હીડન વેલી ખાતે નોંધાયેલા આ સમાજે જાહેર કર્યું છે કે, સરદાર પટેલ કરમસદના હતા અને આ સમાજની મળેલી બેઠકમાં એવું નક્કી કરાયું હતું કે, વિદેશમાં વસતાં પાટીદારો અને ગુજરાતના પાટીદારો વચ્ચે સંકલન કરવામાં આવે. આ અંગે સંકલનકર્તા વરૂણ પટેલે જણાવ્યું હતું કે, અમેરિકામાં વસતાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારો પૈકીના કેવલ પટેલે ગુજરાતના આંદોલનને ટેકો આપ્યો છે. પેન્સિલવેનિયાસ્થિત પ્રીતેશ પટેલે પણ અપીલ કરી છે કે, પાટીદારો ખેતી કરે છે તેમની હાલત ખરાબ થઈ ચૂકી છે. અમેરિકામાં વડા પ્રધાનની છબી ખરડાય નહીં તેની અમને પણ ચિંતા છે. તેથી ભારત સરકારે ગુજરાત સરકાર ઉપર દબાણ કરીને આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવા માટે રાજ્ય સરકારને તૈયાર કરી છે. તેથી સોમવારે ચર્ચા કરવા માટે સરકાર તૈયાર થઈ હતી. ૨૪ સપ્ટેમ્બરે અમેરિકામાં યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટરથી ભારતીય કોન્યુલેટની ઓફિસ સુધી ૧૦ હજાર પાટીદારોની યાત્રા નિકળશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે.


