અમદાવાદઃ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (એસીઆઈ) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની વર્ષ ૨૦૧૮ માટે બેસ્ટ એન્વાયર્નમેન્ટ એન્ડ એમ્બિયન્સ, બેસ્ટ કસ્ટમર સર્વિસ, બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફેસિલિટેશન એમ ત્રણ આંતરરાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે આવા નફો રળતા અને એવોર્ડ વિજેતા એરપોર્ટનો વહીવટ અદાણીને સોંપી દેવાશે.
એસીઆઈ દ્વારા દર વર્ષે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી સર્વે હાથ ધરાય છે જેમાં ચેક ઈન, સિક્યુરિ઼ટી, એરપોર્ટ ફેસિલિટીઝ, ફૂડ બેવરેજિસ, રિટેઈલ એર પોર્ટ એન્વાયર્નમેન્ટ, અરાઈવલ સર્વિસિસ જેવા ૮ મહત્ત્વના પરિમાણોનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટની ૫૦ લાખથી ૧.૫ કરોડ મુસાફરો અવરજવર કરતા હોય તેની કેટેગરીમાં ૩ એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી. ૩૪૬ એરપોર્ટ પર હાથ ધરાયેલા સર્વેક્ષણને આધારે કેનેડાના મોન્ટ્રિયલમાં આ એવોર્ડ એનાયત કરાયા હતા.
અમદાવાદ એરપોર્ટને અગાઉ ૨૦૧૬માં નેશનલ ટૂરિઝમ એવોર્ડ અને ૨૦૧૭માં મોસ્ટ ઈમ્પ્રૂવ્ડ એરપોર્ટ ઈન ધ એશિયા પેસિફિક રિજન એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ દ્વારા અપાયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ એરપોર્ટનો વૃદ્ધિ દર બાવીસ ટકા રહ્યો છે. ૨૦૧૭-૧૮માં ૯૧.૭૦ લાખ મુસાફરોએ આ એરપોર્ટથી અવરજવર કરી હતી. ૨૦૧૮-૧૯માં મુસાફરોની અવરજવરની સંખ્યા ૧.૧૨ કરોડ નોંધાય તેવો અંદાજ છે.


