સરદારે જોયું સ્વપ્ન, નેહરુએ પહેલી ઈંટ મૂકી... જાણો સરદાર ડેમની અજાણી વાતો

Thursday 22nd June 2017 09:39 EDT
 

ગાંધીનગર: ભારતને સ્વતંત્રતા મળ્યા પછી તુરંત જ વર્ષ ૧૯૪૭માં દેશના નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભાઈ પટેલે સેન્ટ્રલ વોટરબેઝ, ઈરિગેશન એન્ડ નેવિગેશન કમિશનને વિધ્યાંચળ- અરવલીની ગીરીકંદરાથી ખંભાતના અખાતમાં ભળતી નર્મદા નદી ઉપર બંધ બાંધવા સાત સ્થળો સુચવ્યા હતા. આ કમિશને ૯ વર્ષ પછી વર્ષ ૧૯૫૬માં તત્કાલિન મુંબઈ રાજ્યમાં નર્મદા નદી ઉપર ગોરા ગામે એક વિયર બાંધવા રિપોર્ટ આપ્યો હતો. જેમાં કેટલાક ડિઝાઈનરો, તજજ્ઞોએ હાલ જ્યાં સરદાર સરોવર છે ત્યાં નવાગામથી ઉપરવાસમાં બંધ બાંધવાની ભલામણ કરી હતી.
વર્ષ ૧૯૫૯માં આ દરખાસ્ત મુબંઈ સરકારને મળ્યા બાદ પાણીની કાયમી તંગીનો સામનો કરી રહેલા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વર્ષ ૧૯૬૦માં ૩૨૦ ફૂટની ઊંચાઈના ડેમ સાથે સરદાર સરોવર જળાશય બાંધવાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી મળી. લોખંડી પુરુષના આ એક વિચારને મૂર્તિમંત કરવા ૧૪ વર્ષ પછી મુંબઈ રાજ્યથી અલગ ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ આ યોજના માટે વર્ષ ૧૯૬૧ની પાંચમી એપ્રિલે પહેલી ઈંટ મુકી હતી. શિલારોપણ કર્યુ હતું. ૧૭ જૂનની સવારે જ્યારે નર્મદા ડેમને ૧૧૩ મીટરની ઊંચાઈ સંપૂર્ણ કરવા ૩૦ રેડિયલ ગેટ બંધ થયા છે ત્યારે આ સમગ્ર યોજના પૂર્ણ કરવા, ખેતરમાં પાણી જોવા માટે છપ્પનિયા કાળને વેઠનાર ગુજરાતીઓની ત્રણ-ત્રણ પેઢીને આર્થિક, સામાજિક, રાજકિય મોરચે ૫૬ વર્ષ સુધી ઐતિહાસિક સંઘર્ષ કરવો પડયો છે.

આંદોલનકારીઓ સામે આંદોલન

૧૯૯૦ અને ૧૯૯૧માં નર્મદા યોજનાના વિરોધમાં મેધા પાટકર આણિ મંડળી દ્વારા મધ્ય પ્રદેશના બડવાણીથી આદિવાસીઓની રેલી કાઢી હતી. આ રેલી મધ્ય પ્રદેશ અને ગુજરાતની સરહદના ગામ ફેરકુવા થઇને ગુજરાતમાં પ્રવેશનાર હતી. બીજી તરફ પર્યાવરણવાદી બાબા આમ્ટે પણ ફેરકુવા ખાતે આંદોલન કરી રહ્યા હતા.
આ સમયે ગુજરાતની ચીમનભાઇ પટેલની સરકારે નર્મદા યોજનાની તરફેણમાં સમગ્ર રાજ્યમાં જુસ્સો પ્રેર્યો હતો. ચીમનભાઇ પટેલે તો ૨૯મી ડિસેમ્બર ૧૯૯૦ના રોજ નર્મદા યોજનાની તરફેણમાં જંગી રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, બાબા આમ્ટે જાણી લે કે ગુજરાતની પ્રજા અને સરકાર ગુજરાતના હિતના મુદ્દે કાયમ એક જ છે. આ એકતા મહાત્મા અને સરદારના સમયથી જોવા મળી છે અને આગામી વર્ષોમાં જોવા મળશે.

લોકોએ સરકારી તિજોરી છલકાવી

નર્મદા ડેમની ઊંચાઈ મુદ્દે ૩૬ વર્ષ વિવાદ ચાલ્યા બાદ એપ્રિલ ૧૯૮૭માં નર્મદા ડેમનું કામ શરૂ થયું ત્યારે પહેલા વિસ્થાપિતો અને પછી પર્યાવરણના મુદ્દે મેઘા પાટકર આણી મંડળીએ ગુજરાતની જીવાદોરીસમાન નર્મદા યોજનાનો ભારે વિરોધ કર્યો હતો. એ વખતે આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંગઠનો દ્વારા પણ નર્મદા બચાવો આંદોલનને સમર્થન જાહેર થતા ૧૯૯૨માં વર્લ્ડ બેંકે ગુજરાત સરકારે ૬ મહિનામાં વિસ્થાપિતોનુ પુનવર્સન કરે તો જ પ્રોજેક્ટ લોન આપીએ તેવી આકરી શરત મૂકી હતી. સેંકડો પરિવારોને સ્પર્શતું કામ છ મહિનામાં અશક્ય હોવાથી તત્કાલીન મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલની સરકારે સામેથી વર્લ્ડ બેંકની લોન ફગાવી હતી. આ પછી ૧૯૯૨-૯૩ના આ કપરા કાળમાં જરૂરી ભંડોળ એકત્ર કરવા નર્મદા બોન્ડની યોજના ઘડાઇ. નર્મદા યોજનાને ગુજરાતીઓએ પોતાની અસ્મિતા સાથે જોડીને આગળ ધપાવવા સામેથી સરકારની તિજોરી છલકાવી હતી. વૈશ્વિક નાણા ધિરાણ કરતી સંસ્થાઓની અવળચંડાઈ સામે સ્વ. ચીમનભાઈ પટેલની સરકારે ડિપ ડિસ્કાઉન્ટ બોન્ડથી ભંડોળ એકત્ર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter