સવાણી બંધુઓને વિઝા કૌભાંડમાં 400 વર્ષની કેદની શક્યતા

Tuesday 17th March 2026 13:01 EDT
 
 

ન્યૂયોર્ક: અમેરિકામાં વસતા બે ગુજરાતી ભાઈઓ ભાસ્કર સવાણી અને અરૂણ સવાણી ઉપર વિઝા કૌભાંડ, મની લોન્ડરિંગ, હેલ્થકેર કૌભાંડ સહિતના વિવિધ આરોપસર 400 વર્ષ કેદની સજા તોળાઇ રહી છે. કેટલાય રાજ્યોમાં કૌભાંડ આચરનાર સવાણી ભાઈઓએ આ બધું ઓછું હોય તેમ એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ સાથે ઘરોબો ધરાવતા હોવાનો દેખાવ કરીને તેમની સાથેના ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. યુએસ એટર્ની ઓફિસના કહેવા પ્રમાણે જુદા જુદા કેસોમાં દોષિત ઠરેલા સવાણી ભાઇઓને આકરી સજા થઈ શકે છે.
ભાસ્કર સવાણી 60 વર્ષના છે જ્યારે અરૂણ સવાણી 58 વર્ષના છે. બંને પર એચ-1 વિઝા ફ્રોડ, હેલ્થકેર ફ્રોડ, મની લોન્ડરિંગ અને કરચોરી સહિત અનેક કૌભાંડ આચરવાના આરોપ સાબિત થયા છે. પીડિતોના કહેવા પ્રમાણે આ ભાઈઓએ સવાણી ગ્રૂપ નામની કંપની બનાવીને તેના નેટવર્ક હેઠળ કરોડો ડોલરની છેતરપિંડી કરી હતી.
ભાસ્કર સવાણી વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. તબીબી વ્યવસાય સંબંધિત છેતરપિંડી આચરવાનો આરોપ સાબિત થયો છે. અધિકારીઓનું કહેવું છે કે બંને ભાઈઓએ તેમની કંપનીઓ અને અન્ય સંસ્થાઓના માધ્યમથી છેતરપિંડી કરી હતી. યુએસ એટર્ની ઓફિસના કહેવા પ્રમાણે આ ગુનાઈત પ્રવૃત્તિ લાબાં સમયથી ચાલતી હતી અને તેનો વ્યાપ ઘણાં રાજ્યોમાં હતો. રસપ્રદ વાત એ છે કે ગેરરીતિ કેસની તપાસ ચાલતી હોવા છતાં અને 2023માં આરોપ મૂકાયા હોવા છતાં, બન્ને ભાઈઓએ એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ સાથે મુલાકાત સંદર્ભે સોશિયલ મીડિયા પર જાહેરમાં પોસ્ટ કરી હતી અને તેમની નિમણૂકની ઉજવણી કરી હતી.
ભાસ્કર સવાણીને કાયદાકીય રીતે 420 વર્ષની જેલની સજાનો સામનો કરવો પડી શકે છે જ્યારે અરુણ સવાણીને કાયદાકીય રીતે મહત્તમ 415વર્ષની જેલની સજા થઈ શકે છે. આ બંને ભાઇઓના સહયોગી એલેક્ઝાન્ડ્રા રાડોમિયાકને પણ દોષિત ઠરાવાયો છે અને તેને 40 વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે. બંને ભાઈઓને આવતા જુલાઈ મહિનામાં સજા સંભળાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter