સહકારી બેન્કોમાં જૂની ચલણી નોટ્સ વટાવી આપવા પર પ્રતિબંધ

Wednesday 16th November 2016 07:28 EST
 

અમદાવાદઃ ગુજરાત સહિતની દેશની જિલ્લા સહકારી બેન્કોમાં રાજકારણીઓ, આઈપીએસ અધિકારીઓ અને આઈએએસ અધિકારીઓની જૂની રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટ્સનું જંગી પ્રમાણમાં બદલી ન કરી આપવામાં આવે તેની આગોતરી ગોઠવણના ભાગરૂપે જિલ્લા સહકારી બેન્કોમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂન ચલણી નોટ્સ બદલી આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરિણામે ચલણી નોટ્સ અદલાબદલીમાં જરૂરી અંકુશ રાખી શકાશે અને મોટેભાગે આ ચલણ નેશનલાઈઝ બેન્કો મારફત થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા સહકારી બેન્કોમાંના કરન્ટ એકાઉન્ટમાંથી રૂપિયા ૫૦ હજારનો ઉપાડ કરવાની છૂટ આપી છે.
રિઝર્વ બેન્કે આ બેન્કોને રૂ. ૪૦૦૦ સુધીના મૂલ્યની જૂની ચલણી નોટ્સ બદલી આપવાની અને બચત સહિતના ખાતાઓમાં જૂની ચલણી નોટ્સ જમા લેવાની ના પાડી દીધી છે. આ જોગવાઈ માત્ર ગુજરાતની જિલ્લા બેન્કોને જ નહિ, પરંતુ આખા દેશની જિલ્લા સહકારી બેન્કોને લાગુ કરવામાં આવી છે.
જોકે ૧૪મી નવેમ્બરે રિઝર્વ બેન્કે પી. વિજયા કુમારની સહી સાથે બહાર પાડેલા પરિપત્રના માધ્યમથી દરેક ખાતેદારને જિલ્લા સહકારી બેન્કમાંના તેમના ખાતામાંથી રૂ. ૨૪૦૦૦નો સાપ્તાહિક ઉપાડ કરવા દેવાની છૂટ આપવામાં આવી છે.
આ નિર્ણય લેવા પાછળના કારણ અંગે રિઝર્વ બેન્ક દ્વારા સેવવામાં આવી રહેલા મૌનને પરિણામે બજારમાં જાત જાતની અટકળો થવા માંડી છે.
પાંચ દિવસમાં રૂ. ૬૫૦ કરોડ
સૌરાષ્ટ્રમાં સહકારી બેન્કોના આંકડા જોઇએ તો ૪ દિવસમાં રાજકોટ જિલ્લા સહકારી બેન્કમાં અધધ રૂ. ૬૫૦ કરોડ જ્યારે અમરેલી જિલ્લા બેન્કમાં ૧૪૯ કરોડ જમા થયા છે. જિલ્લા સહકારી બેન્કોનું સંચાલન મોટાભાગે રાજકીય પક્ષોના આગેવાનોના હાથમાં છે. આ બેન્કમાં ખેડૂત ખાતેદારો મોટી સંખ્યામાં હોય છે. દેશમાં ૩૭૧ જિલ્લા બેન્ક છે જેમાં રાજકોટ જિલ્લા બેન્કની શહેરમાં ૨૨ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૮૬ બ્રાન્ચ છે.
નોટો બંધ કરવાની વડા પ્રધાને જાહેરાત કર્યા બાદ મોટા માથાઓએ પોતાની પાસે પડેલી આવી મોટી નોટોને ઠેકાણે પાડવા જે નૂસખા વિચાર્યા તેમાં સહકારી બેન્કો સૌથી સરળ માધ્યમ હોય તેમ અહીં જંગી માત્રામાં રકમ જમા થઇ છે. રાજકોટ જિલ્લા બેન્કમાં તા. ૧૦મીએ ૧૩૯ કરોડ, ૧૧મીએ ૧૬૭ કરોડ, ૧૨મીએ ૧૬૭ કરોડ, ૧૩મીએ ૧૨૪ કરોડ અને ૧૪મીએ ૧૦૦ કરોડ સહિત કુલ રૂ. ૬૫૦ કરોડ થાપણ અને ધિરાણ પેટે જમા થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter