નવી દિલ્હીઃ વડોદરાના સાંડેસરા ગ્રૂપના રૂ. ૧૪,૫૦૦ કરોડના મની લોન્ડરિંગ અને લોન કૌભાંડમાં ઈડીના ૩ અધિકારીઓએ કોંગ્રેસી નેતા એહમદ પટેલની તેમના દિલ્હીના ઘરે ૮ કલાક પૂછપરછ કરી હતી. ઈડીએ તેમને ઓફિસે બોલાવ્યા હતા, પણ એહમદ પટેલે કહ્યું કે કોરોનાની ગાઇડલાઇન મુજબ સિનિયર સિટિઝન હોવાથી તે ઓફિસે નહીં આવે. આ અગાઉ એહમદ પટેલનાં જમાઈ અને તેમનાં પુત્ર ફૈઝલની ઈડીએ પૂછપરછ કરી હતી અને ફૈઝલના નિવેદનને આધારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ આગળ ચાલ્યો છે. ઇડીની પૂછપરછ પછી એહમદ પટેલે કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહના મિત્રો મારા ઘેર આવ્યા હતા. મેં તેમના તમામ સવાલોના જવાબ આપ્યાં છે. મને દુઃખ છે કે, ચીને આપણી જમીન પર કબજો જમાવ્યો છે ત્યારે સરકાર ચીન પાસેથી આપણી જમીન પાછી મેળવવાને બદલે વિપક્ષના નેતાઓની પાછળ લાગી રહી છે.