ગાંધીનગરઃ સાંસદ મનસુખ વસવાએ ૨૯મી ડિસેમ્બરે પક્ષમાંથી રાજીનામું ધરી દેવાનો હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યા પછી તેઓ ૩૦મી ડિસેમ્બરે સવારે ગાંધીનગરમાં ઉપસ્થિત થયા હતા. મનસુખ વસાવાએ ગાંધીનગરમાં તરત જ કહ્યું હતું કે, હું કોઈથી નારાજ નથી, ભાજપમાંથી રાજીનામું પાછું ખેંચ્યું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળવા જતા પૂર્વે મીડિયા સાથેની વાતચીતમાં તદ્દન તંદુરસ્ત જણાતા સાંસદ મનસુખ વસાવાએ ૨૪ કલાક પહેલાં જ રાજીનામું આપવા પાછળ ‘કમરમાં દુઃખાવાના કારણે મગજમાં લોહી ઓછું પહોંચે છે’ એવું કારણ જાહેરમાં ધર્યું હતું. જોકે ૨૪ કલાકમાં જ તેમની ‘તબિયત’ ઠીક જણાઈ હતી.
સાંસદપદે ચાલુ રહીને ભાજપમાંથી રાજીનામું આપતો તેમનો પત્ર આગલા દિવસે જ વાઈરલ થયો એ વેળાએ જ ભાજપમાં વધુ એક ત્રાગું થઈ રહ્યાનું સ્પષ્ટ થયું હતું.
રૂપાણીને મળ્યા બાદ મનસુખ વસાવાએ વન અને આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા તેમજ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે લાંબી બેઠક યોજી હતી. બેઠકમાં ભરૂચ લોકસભા મતક્ષેત્રમાં સાંસદ છોટુ વસવા અને કોંગ્રેસ દ્વારા ચાલતા આદિવાસી આંદોલનોને ડામવા વ્યાપક ચર્ચા થયાનું કહેવાય છે.
રાજીનામું પાછું ખેચવા વચન?
મનસુખ વસાવાને રાજીનામું પાછું ખેંચવા સરકારે શું વચન આપ્યું? તેના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ પાટિલ સહિત સૌ મોવડીઓએ સાંસદ હશો તો ફ્રીમાં સારવાર થશે, હમણાં આરામ કરો. એવી સલાહ આપ્યાનું જણાવ્યું હતું!














