ગાંધીનગર: બનાસકાંઠાના વાકજી પટેલ પાંચ વર્ષથી ગાંધીનગર નજીક વાવોલમાં રહેતો હતો. અઢી વર્ષ પહેલાં ઉમિયા સાથે તેનાં લગ્ન થયાં. ઉમિયા વાર-તહેવારે સાસરીમાં જતી અને વાકજી રજા મળે ઘરે જતો. જોકે ઉમિયાને કથિત ઘરકંકાસના લીધે વાકજી સાથે રહેવું ન હોવાથી તેણે પતિનું કાસળ કાઢી નાંખ્યાનો કિસ્સો બહાર આવ્યો છે. વાકજીએ તેની હત્યાના ૧૦ દિવસ પહેલાં જ ગાંધીનગરના સેક્ટર-૨૬માં મકાન ભાડે રાખ્યું હતું અને ઉમિયાને લાવ્યો હતો.
ભભૂત ખાઈ લો, ઝઘડા નહીં થાય
ઉમિયાએ ૧૪ જુલાઈની મોડી સાંજે વાકજીને કહ્યું હતું કે, આપણી વચ્ચે બહુ ઝઘડા થાય છે અને ઘરમાં આર્થિક સમસ્યા પણ છે. હું તમારા માટે ભભૂતિ લાવી છું એ ખાઈ લો એટલે બધી બાબત શાંત થઈ જશે. પત્નીની વાતોમાં આવી ગયેલા વાકજીએ ભભૂત ખાધી હતી. એ ભભૂત ખરેખર ઉંદર મારવાની દવા હતી. બે કલાક સુધી વાકજીને ઝેરની અસર ન થતાં ઉમિયાએ પ્લાન-બી મુજબ પતિને પતાવી નાંખ્યો હતો.
મીઠી મીઠી વાતોથી પૂરો કર્યો
વાકજીને ઝેરની કોઈ અસર ન થતાં ઉમિયાએ મીઠી-મીઠી વાતો શરૂ કરી હતી. સંબંધ બાંધવાને નામે પતિને આંખો પર પાટા બાંધી રમત રમવા તૈયાર કર્યો હતો. પાટા બાંધ્યા બાદ વાકજી પર બેફામ રીતે ઉમિયાએ છરાના ઘા માર્યા હતા. છરા પરના આંકાને લીધે મૃતકના આંતરડાં પણ બહાર આવી ગયાં હતાં. હુમલા બાદ ઉમિયાએ લોહીવાળો છરો ધોઈ નાંખ્યો હતો અને કપડાં પણ બદલી નાખ્યાં હતાં. બીજી તરફ ગેલેરીમાં પડેલા લોહીના ડાઘા તેણે ધોઈ નાંખ્યા હતા. લોહીવાળું પાણી પાઇપ મારફતે છેક નીચે આવતાં જમીન પણ લાલ થઈ ગઈ હતી. પરિવારજનો સામે પણ ઉમિયાએ હત્યા કબૂલી નહીં જોકે પોલીસની પૂછપરછમાં તે ભાંગી પડી હતી. પોલીસે જણાવ્યું કે, ઉમિયાની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, આ પ્લાન તેણે ક્રાઇમ પેટ્રોલ નામનો ટીવી શો જોઈ બનાવ્યો હતો.
બીજા દિવસે એક યુવકે વીડિયો કોલ કર્યો
હત્યાના બીજા દિવસે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે ઉમિયાના ફોન પર એક યુવકનો વીડિયો કોલ આવ્યો હતો. જેથી પોલીસે ઉમિયાને વીડિયો કોલ પર વાત કરાવી હતી. જોકે યુવક સમગ્ર ઘટનાથી તદ્દન અજાણ હતો. પોલીસે આ કેસમાં વધુ તપાસ ચલાવીને કાર્યવાહી આગળ ધપાવી છે.