નડિયાદઃ આર.બી.આઈ.ના નવા ગવર્નર તરીકે જ્યારે ઊર્જિત પટેલના નામની ઘોષણા થઈ ત્યારે મહુધા સ્થિત તેમના પિતરાઈ ભાઈ કચ્છ ગયા હતા. તેમના પર શુભેચ્છાઓ આપવા માટેના ફોન ચાલુ થયા બાદ તેમને પોતાનો ભાઈ સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયો હોવાની ખબર પડી ત્યારે તેઓ સાનંદાશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેઓએ પોતાના કાકી અને ઊર્જિત પટેલના માતાને ફોન કરી તેમને શુભેચ્છા પાઠવી હતી. ઓછાબોલા પણ ખૂબ જ તેજ એવા ઊર્જિત પટેલ અભ્યાસ પૂર્ણ થતાંની સાથે જ નોકરીએ લાગી ગયા હતા. પોતાની વ્યસ્તતાને કારણે પરિવારજનોને ખૂબ ઓછો સમય આપી શકતા ઊર્જિત પટેલે કદી પણ પોતાના માતા- પિતા કે પરિવારજનોને ઓછું આવવા દીધું નથી. પિતાના મૃત્યુ બાદ માતાની જવાબદારી આજ પણ તેમનો લાડકો પુત્ર ઊર્જિત જ ઉપાડે છે. સવારથી ઓફિસે જાય અને રાત્રે પરત આવે ત્યાં સુધીમાં પણ માતાને કોઈ તકલીફ ન પડે તેની પૂરતી તકેદારી આર.બી.આઈ. ગવર્નર રાખે છે. મહુધા સ્થિત તેમના પિતરાઈ ભાઈ અને અન્ય સ્વજનોનું પણ તેઓ પૂરતું ધ્યાન રાખે છે. મહુધાના પુત્રએ જે સ્થાન હાંસલ કર્યું છે તે જોઈને સહુ કોઈ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. આગામી દિવસોમાં તેમને મહુધા બોલાવી તેમના સન્માનનું આયોજન પણ પરિવારજનો અને ગ્રામજનો ગોઠવી રહ્યા છે.
ભાણીને કરમસદમાં પરણાવી છે
ઊર્જિત પટેલના સગા મોટા બહેન ઋજુતાબહેનની એક પુત્રીને કરમસદ ખાતે પરણાવી છે. ઊર્જિતભાઈ આજે પણ પોતાના પરિવારજનો સાથે સંપર્ક રાખે જ છે. તેમના મોટાબહેન અમેરિકામાં છે. આર.બી.આઈ. ના ગવર્નર ઊર્જિત પટેલના માતા ગુજરાતી ફિલ્મોનો જાણીતો ચહેરો હતા. ઊર્જિતભાઈના માતા મંજુલાબહેન તે સમયે ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા હતા. તેજ સમયે તેમનો પરિચય ઊર્જિતભાઈના પિતા રાજેન્દ્રભાઈ સાથે થયો હતો અને તે જમાનામાં બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. મંજુલાબહેન અને રાજેન્દ્રભાઈને સંતાનમાં એક પુત્ર ઊર્જિતભાઈ અને પુત્રી ઋજુતાબહેન છે. મહુધા ખાતે ઊર્જિતભાઈ પટેલની વડીલો ઉપાર્જિત પાંચ વીઘા જમીન આવેલી છે. બે ખેતરોની કાળજી હાલમાં તેમના પિતરાઈ ભાઈ જગદીશભાઈ લે છે.
મિતભાષી વ્યક્તિત્વ
પિતરાઈ જગદીશભાઈએ જણાવ્યું હતું કે, ઊર્જિત જ્યારે પરિવારમાં હોય ત્યારે કોઈ કહી ન શકે કે આ આટલા મોટા અધિકારી છે. સૌમ્યતા તેમની સૌથી મોટી વિશેષતા છે. બોલે ઓછું પણ લાગણીથી ભરપૂર માણસ છે. માતા-પિતાની જેમ ઊર્જિતભાઈ પણ પરિવાર અને કુટુંબ સાથે જોડાયેલા છે.
રોટલી – શાક જ ભાવે
તેમના ભાભી ઉષાબહેને જણાવ્યું કે, તેમને કોઈજ વ્યસન નથી. આજેપણ ઘરના રોટલી-શાક અને સાદું ભોજન જ તેમને ભાવે છે. છેલ્લા મહુધા આવ્યા હતા ત્યારે તેમણે ચા પીધી હતી અને સ્થાનિક દુકાનનો ચેવડો મંગાવ્યો હતો.


