અમદાવાદઃ એર ઇન્ડિયા ફરી એક વખત તેના અણઘડ વહીવટને કારણે મુસાફરોની નારાજગીનો ભોગ બન્યું છે. એર ઇન્ડિયાની દિલ્હીથી સાનફ્રાન્સિસ્કો જતી ફ્લાઇટ ૧૫ કલાકથી વધુ સમય મોડી પડતાં કુલ ૧૩૦ મુસાફરોને હાલાકી ભોગવવી પડી છે. જેમાં ગુજરાતના ૩૫ જેટલા મુસાફરોનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ ફ્લાઇટ રાત્રે ૨:૩૦ કલાકે સાન ફ્રાન્સિસ્કો જવા રવાના થતી હોય છે, પરંતુ અપૂરતા કેબિન ક્રૂને લીધે આ ફ્લાઇટ છઠ્ઠી મેએ રાત્રે ૮:૩૦ સુધી ઉપડી શકી નહોતી. આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર સાનફ્રાન્સિસ્કો જતી આ ફ્લાઇટ માટે ૧૦ કેબિન ક્રૂ હોવા જરૂરી છે. જેના સ્થાને એર ઇન્ડિયા પાસે માત્ર ૮ કેબિન ક્રૂ હોવાથી ફ્લાઇટ તેના નિર્ધારિત સમયે ઉપડી શકી નહોતી.

