રાજપીપળાઃ ભારતની સૌપ્રથમ સી-પ્લેન સેવા અમદાવાદ-કેવડિયા વચ્ચે શરૂ થઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શનિવારે આ સેવાનું લોકાર્પણ કર્યું હતું. તેઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકના નર્મદા ડેમમાં બનાવાયેલા વોટર એરોડ્રામથી રવાના થયા હતા અને ૪૫ મિનિટનો પ્રવાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પહોંચ્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર તેમણે ૧૫ મિનિટ જેટલો સમય રોકાણ કરીને વિવિધ સેવા-સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ તક્તીનું અનાવરણ કર્યું હતું.
વડા પ્રધાન મોદી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા ત્યાં તેમના સ્વાગત માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય પ્રધાન, ગૃહરાજ્ય પ્રધાન સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતા.
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાન મોદી સાબરમતી રિવરફ્રન્ટથી ઉતરાણ બાદ સીધા એરપોર્ટ થઇને દિલ્હી જવા રવાના થયા હતા અને તેમની બે દિવસની મુલાકાત પૂર્ણ થઇ હતી.
૫ કલાકનો પ્રવાસ ૪૫ મિનિટમાં
સાબરમતી-કેવડિયાને જોડતી આ નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ દિવસમાં ચાર વખત ઓપરેટ થશે. આ સી-પ્લેન ૧૪ પ્રવાસીઓની બેઠક ક્ષમતા ધરાવે છે. માલદીવ્સમાં ટાપુઓ વચ્ચે અવરજવર માટે આ પ્રકારના પ્લેન ઉપયોગમાં લેવાય છે. માલદીવીયન એરલાઇન્સ પાસેથી સ્પાઇસ જેટે આ વિમાન લીઝ પર મેળવ્યું છે. અમદાવાદથી કારમાર્ગે કેવડિયા પહોંચતા સાડા ચારથી પાંચ કલાકનો સમય લાગી જાય છે. ત્યારે આ ફ્લાઇટ માત્ર ૪૫ મિનિટમાં અમદાવાદથી કેવડિયા પહોંચાડી દે છે. વળી, સી-પ્લેન હોવાથી તે થોડીક નીચી ઊંચાઇએ ઉડતું હોય છે. આમ પ્રવાસ દરમિયાન ધરતી પરનો રમણીય નજારો પણ નિહાળવા મળે છે.


