ગોધરાઃ ભાજપ માટે કાલોલ બેઠક માથાનો દુખાવો બની હતી. ૨૪મીએ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂને ટિકિટ ફાળવાતા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનાં પત્ની રંગેશ્વરીબહેને વિરોધ કર્યો હતો. ૨૫મીએ સાંસદનાં પત્ની અને પુત્રવધૂ ભેગા થઈ ગયા પણ પ્રભાતસિંહે ભાજપના રાષ્ટ્રપ્રમુખને ચાર પાનાંનો પત્ર લખી અનેક ફરિયાદો કરી. પત્રમાં પ્રભાતસિંહે કહ્યું છે કે તેમનો પુત્ર પ્રવીણ બુટલેગર છે અને પુત્રવધૂ પણ જેલવાસ ભોગવી ચૂક્યાં છે. સી. કે. રાઉલજી પણ પ્રવીણ સાથે દારૂનો વેપાર કરે છે. તો બીજી બાજુ પ્રવીણસિંહે પણ પોતાના પિતા સામે પસ્તાળ પાડતાં જણાવ્યું કે અમે તેમને પિતા તરીકે માનતા નથી. અમે તેમનાથી ત્રાસી ગયા છીએ. ૭૮ વર્ષે વિનાશકાળે તેમની બુદ્ધિ વિપરીત બની છે. તેમની ચોથી પત્ની સાથે રહે છે. ઉપરાંત ૨૦૦૮ પછી તેમની સામે દારૂ અંગેનો કોઈ કેસ થયો નથી. આખરે પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂને ટિકિટ મળી ગઈ.
અગાઉ સાંસદે તેમની ચોથી પત્ની રંગેશ્વરીબેન માટે પક્ષને આપેલી ધમકી અને તેમના પુત્ર અને પુત્રવધૂ સામે અનેક આક્ષેપો કરી કલોલ બેઠક ઉપર જો ભાજપને હાર મળે તો પોતે જવાબદાર નહીં એવો અમીત શાહને પત્ર વ્યવહાર કરનારા સાંસદે પુત્રવધૂને આશીર્વાદ પણ આપ્યાં હતાં. તાજેતરમાં મીડિયા સાથે અસભ્ય વર્તણૂક કરનારા પ્રભાતસિંહે ૨૭મીએ સાંસદ પુત્રવધૂ સુમનબહેનના ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે રંગેશ્વરીબહેને પક્ષના સમર્થકો સમક્ષ પુત્ર અને પુત્રવધૂને ભવ્ય વિજય મળે એવું નિવેદન આપ્યું હતું. પરિવારના સભ્યોએ એકમેક સાથે પ્રેમથી ફોટા પડાવતાં કહ્યું હતું કે, સમગ્ર પરિવાર એક છે. ફોર્મ ભરવાની વિધિ તથા રેલીમાં પણ પ્રભાતસિંહ અને તેમનાં પત્ની ઉપસ્થિત રહ્યા હતા. આમ વિવાદ અને પરિવારવાદ વચ્ચે ઘેરાયેલા સાંસદના નાટકીય અંદાજથી કલોલના પ્રજાજનોમાં મતમતાંતરો સર્જાયા છે.

