અમદાવાદ ઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે થોડા દિવસ પહેલા સુરતમાં વિતરણ માટે ૫,૦૦૦ રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ બનાવતા વિવાદનો મધપુડો છેડાયો હતો. તે પછી સુરતમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા લોકોને વિનામૂલ્યે ઓક્સિજન આપવા માટે એક સ્થાનિક ગ્રુપે નમો ઓક્સિજન સેન્ટરની સ્થાપના કરી હતી અને તેની મુલાકાત પાટીલે લીધી હતી. આ ગ્રુપની સેવાની જાહેરાત કરતી એક પોસ્ટ ભાજપના પ્રદેશ મિડિયા કન્વિનર દ્વારા સોશિયલ મિડિયમાં ફરતી કરાઈ હતી.
આ ઉપરાંત સુરતના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરે કોર્પોરેટર-પૂર્વ કોર્પોરેટર અને તેમના સગાઓને વિનામૂલ્યે રેમડેસિવિર અપાશે એવો પરિપત્ર પણ જારી કર્યો હતો. આ દરમિયાન શનિવારે રાજકોટ પહોંચેલા પાટીલે મિડિયાના એક પ્રશ્નના જવાબમાં એવો ઉત્તર આપ્યો હતો કે રાજકોટની કોરોનાની સ્થિતિ અંગે મને ખબર નથી.
આ અગાઉ પાટીલે જ્યારે સુરત માટે ૫,૦૦૦ રેમડેસિવીર ઇન્જેક્શન એકત્ર કર્યા ત્યારે આ અંગે રૂપાણીએ મિડિયાને પ્રતિક્રિયા આપતાં એમ જણાવ્યું હતું કે પાટીલ ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા એ અંગે મને ખબર નથી. આ તમામ ઘટનાક્રમને પગલે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલે છે કે મુખ્ય પ્રધાન રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ વચ્ચે શીતયુદ્ધ શરૂ થયું છે.
પાટીલ જ્યારે રેમડેસિવિરના વિવાદમાં સપડાયા અને તે પછી આ મુદ્દે તેમના વિરુદ્ધ કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાઇ કોર્ટમાં પિટિશન દાખલ કરી ત્યારે ભાજપના સમર્થકોએ પાટીલના સમર્થનમાં સોશિયલ મિડિયા પર એકસરખા મેસેજોનો મારો ચલાવ્યો હતો.
બીજી તરફ પાટીલ દ્વારા સુરતમાં જે કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે ભાજપના જ ચોક્કસ જુથો દ્વારા આ કામગીરીની ટીકા કરવામાં આવી રહી છે. આ જુથો દ્વારા શું પાટીલ માત્ર સુરત ભાજપના જ પ્રમુખ છે કે પછી સમગ્ર ગુજરાતના એવા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. આવી બેઉતરફી ટીકા શીતયુદ્ધ અને જુથબંધીનો સંકેત આપે છે.