નવીદિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) તરફથી ૧૪ જૂનથી ૬ જુલાઈ વચ્ચે હાથ ધરવામાં આવેલા એક સીરો સર્વેના પરિણામો અનુસાર ૧૧ રાજ્યોમાં ઓછામાં ઓછી બે તૃતીયાંશ વસતીમાં કોરોના વિરુદ્ધ એન્ટિબોડી મળી આવ્યાં છે. સામાન્ય રીતે કોઈ વાઈરસ વિરુદ્ધ જો બે તૃતીયાંશ વસતીમાં ઈમ્યુનિટી વિકસિત થઈ જાય તો તેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે અને એ સ્ટેજ પર વાઈરસ તેની અસર ગુમાવે છે. જો કોરોના વાઈરસ વિશે આ વાત સાચી સાબિત થશે તો આ સીરો સરવેના પરિણામ ખુશખબર સાબિત થઈ શકે છે. એટલે કે ૧૧ રાજ્યોમાં હર્ડ ઈમ્યુનિટી જેવી સ્થિતિ આવી શકે છે.
મધ્યપ્રદેશ ૭૯ ટકા સાથે સીરો સર્વેમાં ટોચના સ્થાને છે. જોકે કેરળ ૪૪.૪ ટકા સાથે સૌથી નીચે છે. આસામમાં સીરો પ્રીવલેન્સ ૫૦.૩ ટકા અને મહારાષ્ટ્રમાં ૫૮ ટકા છે. સીરો પ્રીવલેન્સનો મતલબ એ થાય છે કે એટલા ટકા વસતીમાં કોરોના વાઈરસ વિરુદ્ધ એન્ટિબોડી વિકસિત છે. વાઈરસ વિરુદ્ધ એન્ટિબોડીનો મતલબ એ છે કે સંબંધિત વ્યક્તિ સંક્રમિત થયા બાદ સાજો થઈ ચૂક્યો છે કે પછી વેક્સિનને લીધે તેની
અંદર એન્ટિબોડી વિકસિત થઈ ચૂક્યા છે.