સુજ્ઞેયકાંડમાં પીડિતાનો આક્ષેપઃ ફરિયાદ ધ્યાને ન લઈને કોઈ સત્સંગી સાથે પરણાવવા કહ્યું

Wednesday 22nd March 2017 07:16 EDT
 
 

વડોદરાઃ કેનેડામાં વસતા અને સોખડા સ્વામિનારાયણ પંથને અનુસરતાં ગુજરાતી દંપતીની દીકરીની સગાઈ તૂટી ગયા પછી શાંતિ અને સાંત્વના મેળવવા યુવતી કેનેડાનાં સ્વામિનારાયણ મંદિરમાં સુજ્ઞેય સ્વામીનાં સંપર્કમાં આવી અને સ્વામીએ તેને ભોળવીને તેના પર દુષ્કર્મ આચર્યું એવી ફરિયાદ યુવતીએ પહેલાં સોખડા સ્વામિનારાયણ મંદિરના મહંતોને કરી જેના તરફ દુર્લક્ષ સેવાયું એ પછી યુવતી અને તેના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. સોખડા સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો વિશે યુવતીએ આ આક્ષેપો કર્યા પછી પોલીસે આ કેસમાં કાર્યવાહી હાથ ધરતાં સુજ્ઞેય સ્વામી વડોદરામાં હોવાથી સ્થાનિક પોલીસ અને કેનેડા પોલીસે આ કેસમાં સુક્ષેયસ્વામી સહિતના સંતોની પૂછપરછ શરૂ કરી છે.
પીડિતાએ પોલીસ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે, તેણે સોખડાનાં સંતોને પોતાની સાથે થયેલા દુષ્કર્મ અંગે ૧૨ પાનાંનો પત્ર લખ્યો હતો, પણ તેના પર સંતોએ ધ્યાન આપ્યું નહોતું. સંતોએ કોઈ સત્સંગી સાથે લગ્ન કરાવી આપવાની વાત કરી હતી.
યુવતી વતી હરિધામ સોખડાને કાયદેસર રીતે પાઠવવામાં આવેલી નોટિસ મુજબ, દુષ્કર્મના બાદ યુવતીએ ૧૨ પાનાંનો પત્ર લખ્યો હતો અને એ પછી ૧૨ લોકોની મિટિંગ થઈ હતી. જેમાં સંપ્રદાયનો સવાલ હોવાનું જણાવી સુજ્ઞેય સ્વામીને કાઢી મૂકવાની વાત જણાવાઈ હતી. ડિસેમ્બર, ૨૦૧૬માં બીજી મિટિંગ પણ થઈ હતી. જોકે તે મિટિંગમાં જણાવાયું કે, સુજ્ઞેય સારો સાધુ છે અને તેણે પ્રાયશ્ચિત કર્યું હોવાથી કોઈ જ પગલાં લેવાશે નહીં. પીડિતાના પરિવારે હરિસંતો મહંતોને કહ્યું કે તેમને ન્યાય જોઈએ છે ત્યારે જવાબ અપાયો હતો કે અમે સત્સંગી શોધીને યુવતીનાં લગ્ન કરાવી આપીશું.
બીજી તરફ, સુક્ષેય સ્વામીએ ૧૬મીએ કહ્યું છે કે, એ છોકરી સાથે લાગણીશીલ બનીને ‘એવી’ વાત કરી એ મારી ભૂલ હતી. સુજ્ઞેયે દુષ્કર્મના આક્ષેપોનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે, મેં દુષ્કર્મ આચર્યું જ નથી. છતાં યુવતી સાથે લાગણીશીલ બનીને એવી વાત કરી એ મારી ભૂલ હતી. મારા ઉપરનાં આક્ષેપોથી કોઈ હરિભક્તની લાગણી દુભાઈ હોય તો હું ક્ષમા માગું છું. સુજ્ઞેયે કહ્યું હતું કે, જ્યાં સુધી સત્ય હકીકત બહાર નહીં આવે ત્યાં સુધી નિલકંઠ પટેલ બનીને હરિધામથી દૂર રહીશ. આ ઉપરાંત કાયદેસર કાર્યવાહીમાં સહકાર આપીશ.
તેણે કહ્યું કે, દુરાચારની ફરિયાદથી મને આઘાત લાગ્યો છે. કેનેડામાં યુવતી માનસિક રીતે અસ્વસ્થ હતી ત્યારે તેના પિતા મારી પાસે આવ્યા હતા. યુવતીના પ્રશ્નો નિવારવા તેમણે આજીજી કરી હતી. તેના પિતાએ કહ્યું કે, યુવતી જીવનનો અંત લાવવાનો પ્રયાસ કરે છે. તેને યોગ્ય માર્ગદર્શન આપો. પિતાના આગ્રહથી યુવતીએ જ મને પહેલો મેસેજ કર્યો હતો. ત્યાર પછી હું મેસેજથી તેને જવાબ આપતો હતો. ધીમે ધીમે વાત ઓછી કરવાનો મારા તરફથી પ્રયાસ થયો ત્યારે યુવતીએ મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ વાત મેં તેના પિતાને કરી હતી. એ પછી મેં મેસેજના રિપ્લાય આપવાનું બંધ કર્યું હતું. જેથી આવી વાત તેમણે લોકો સમક્ષ કરી હશે. યુવતી ૧૫ મહિનાના લાંબા સમય પછી ફરિયાદ કરે છે તે પણ ગળે ઉતરતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter