નવી દિલ્હીઃ જાપાનની કંપની સુઝુકી મોટર કોર્પોરેશન 2026 સુધીમાં ગુજરાતમાં રૂ. 10,445 કરોડનું નવું મૂડીરોકાણ કરશે. પાટનગરમાં જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા તથા વડા પ્રધાન મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા ઇન્ડિયા-જાપાન ઇકોનોમિક ફોરમના કાર્યક્રમમાં ગુજરાતમાં મૂડીરોકાણ અંગે રાજ્ય સરકાર અને સુઝુકી મોટર કોર્પોરેશન વચ્ચે સમજૂતી કરાર થયા હતા. કંપનીના પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકીએ કહ્યું હતું કે, કંપનીએ કાર્બન ઉત્સર્જન બંધ કરવા નાની ઈલેક્ટ્રિક મોટરકારોનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. એમઓયુ હેઠળ ગુજરાતમાં માંડલ-બેચરાજી સ્થિત કંપનીના પ્લાન્ટની નજીકમાં વર્ષ 2026 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોની બેટરીનું ઉત્પાદન કરવા માટે સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 7,300 કરોડનું નવું રોકાણ કરાશે. સાથોસાથ, વર્તમાન પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક મોટરકારના ઉત્પાદનની ક્ષમતા 2025 સુધીમાં વધારવા માટે રૂ. 3,100 કરોડનું વધુ રોકાણ કરવામાં આવશે.