અમદાવાદઃ રાષ્ટ્રીયકૃત, ખાનગી તેમજ ફાઈનાન્સ કંપનીઓ સાથે રૂ. ૨૬૫૪ કરોડના લોન કૌભાંડમાં સુરેશ ભટનાગર, તેના બે પુત્રો અમિત અને સુમિતને ગુજરાત એટીએસ અને સીબીઆઈએ જોઈન્ટ ઓપરેશન દ્વારા ઉદયપુરની પારસ મહલ હોટેલમાંથી ઝડપી પાડ્યા હતા. ૧૮મીએ સીબીઆઈએ ત્રણેયના ૧૪ દિવસના રિમાન્ડની માગ અમદાવાદની મિરજાપુર કોર્ટમાં કરી હતી અને કોર્ટે ત્રણેય આરોપીના ૨૭મી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.
સીબીઆઈએ રિમાન્ડ માટે કોર્ટમાં દલીલ કરી હતી કે ૨૦૧૧માં ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.નું ટર્નઓવર ૨,૧૯૭.૬૦ કરોડ હતું. આરોપીઓએ રૂ. ૨૮૫ કરોડની ક્રેડિટ ફેસિલિટી કઈ રીતે વધારીને રૂ. ૪૮૦ કરોડ કરી હતી એની આ મોડસ ઓપરેન્ડી જાણવા પૂછપરછ જરૂરી છે. તેથી કોર્ટ દ્વારા ત્રણેયના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
અમિત ભટનાગરની ધરપકડ
૧૯ બેન્કો સાથે રૂ. ૨,૬૫૪ કરોડનું ચિટિંગ કરનારા અમિત ભટનાગરે સ્વપ્નેય વિચાર્યું નહોતું કે ૧૭મીએ રાતે રૂમસર્વિસ કહીને દરવાજો નોક કરનાર વેઇટર નહીં, પણ સીબીઆઈ અને એટીએસ ટીમ હશે. અમિતે દરવાજો ખોલતાં દરવાજા પાસે ઉભેલા માણસેસીબીઆઈનું આઈકાર્ડ બતાવતાં અમિત ભટનાગરનાં હોશ ઊંડી ગયા હતા. સીબીઆઈએ કહ્યું કે, અમિત ભટનાગરે ટીમને સામે જોતાં ગળામાં ડુમો ભરાયો હોય તેવા અવાજે કહ્યું કે કાલે અમે હાજર થવાના જ હતા. અમે હતાશ થઈ ગયા છીએ. તેમ જણાવીને અમિત પોક મૂકીને રડી પડ્યો હતો.


