અમદાવાદઃ કોરોના મહામારીના સમયમાં અનાથ બનેલા બાળકો અથવા તો મા કે પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો મુદ્દેની અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, ‘ગુજરાતમાં કોવિડ-૧૯ના લીધે, માર્ચ ૨૦૨૦થી મા કે પિતા ગુમાવનારા બાળકો અને અનાથ બાળકો અંગે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC)ની તપાસ સંદર્ભની વિગતો વેબપોર્ટલ પર જોવા મળતી નથી.’ સુપ્રીમ કોર્ટે ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરોને નિર્દેશ આપ્યા છે કે, ‘ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના આદેશ સંબંધિત વિગતો ઝડપથી વેબપોર્ટલ પર અપલોડ કરવામાં આવે.’ સુપ્રીમ કોર્ટે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને પણ નિર્દેશ આપ્યા છે કે, ‘વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરો.’ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના મહામારીના લીધે ૧૧૪૩ બાળકો અનાથ બન્યા છે, ૭૭૨૯ બાળકોએ મા અથવા પિતાને ગુમાવ્યા છે. જેમાંથી ૭૦૪૫ બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરાયા છે. આ બાળકોમાંથી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ ૫૦૧૭ બાળકોની તપાસ પૂર્ણ કરી છે.