નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત થયેલી નિષ્ણાત સમિતિએ વૃક્ષોનાં મૂલ્યાંકન સંબંધિત રિપોર્ટ ચોથી ફેબ્રુઆરીએ રજૂ કર્યો હતો. આ સમિતિના તારણ પ્રમાણે, એક વૃક્ષનું એક વર્ષનું આર્થિક મૂલ્ય રૂ. ૭૪ હજાર ૫૦૦ હોઈ શકે છે એટલે કે વૃક્ષની ઉંમરમાં દર વર્ષે રૂ. ૭૪૫૦૦નો ગુણાકાર કરીને એનું મૂલ્ય નક્કી કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે, વૃક્ષોનું આર્થિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
વડોદરા પાસે ૯૫૦ વર્ષ જૂનું વૃક્ષ
વડોદરા પાસે ભાયલી અને પાદરાથી ૬ કિમીના અંતરે આવેલા ગણપતપુરા ગામે ગુજરાતનું સંભવત: સૌથી મોટું આફ્રિકન બાઓબાબનું ૯૫૦ વર્ષ જૂનું વૃક્ષ છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ એન્ડેસોનિયા ડીજીટાટા છે. આ વૃક્ષની કિંમત આશરે ૧૦ કરોડથી વધારે છે.
હેરિટેજ વૃક્ષની કિંમત કરોડોમાં
સુપ્રીમની કમિટીના અહેવાલમાં કહેવાયું છે કે, ૧૦૦ વર્ષ જૂના એક હેરિટેજ વૃક્ષની કિંમત રૂ. એક કરોડથી વધુ હોઈ શકે છે. ચિફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે જાન્યુઆરી ૨૦૨૦માં આ સમિતિના સભ્યોને વૃક્ષોનું આર્થિક મૂલ્ય નક્કી કરવાનું કહ્યું હતું. આ કિંમત વૃક્ષો દ્વારા અપાતા ઓક્સિજનની કિંમત અને અન્ય લાભ પર આધારિત હોઈ શકે છે.
આ ખંડપીઠમાં ચિફ જસ્ટિસ સાથે જસ્ટિસ એ. એસ. બોપન્ના અને વી. રામસુબ્રહ્મણ્યમ પણ સામેલ હતા. તેમણે ફક્ત વૃક્ષોનાં લાકડાંના આધારે જ નહીં, પરંતુ પર્યાવરણમાં વૃક્ષોનાં સકારાત્મક પ્રભાવને ધ્યાનમાં રાખીને એનું મૂલ્યાંકન કર્યું છે.
એક વર્ષની વૃક્ષની કિંમતનું ગણિત
પશ્ચિમ બંગાળ રેલવેએ ઓવરબ્રિજ બનાવવા માટે હેરિટેજ વૃક્ષ સહિત ૩૫૬ વૃક્ષ કાપવાની મંજૂરી માગી હતી. આ મુદ્દે સમિતિએ કહ્યું હતું કે આ વૃક્ષોની કિંમત રૂ. ૨.૨ અબજ છે જે આ પ્રોજેક્ટના મૂલ્યથી પણ વધુ છે.
વૃક્ષનું આર્થિક મૂલ્યાંકન
ઓક્સિજન: રૂ. ૪૫૦૦૦
ખાતરની કિંમત: રૂ. ૨૦૦૦૦
લાકડાંની કિંમત: રૂ. ૧૦૦૦૦
કુલ કિંમત: રૂ. ૭૪૦૦૦


