સુરત ડાયમંડ બુર્સ અર્થતંત્ર માટે ગેમચેન્જર બનશેઃ વડાપ્રધાન

Wednesday 20th December 2023 05:21 EST
 
 

સુરત: સુરતના ખજોદમાં 3400 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ને ખુલ્લું મૂકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ ડાયમંડ બુર્સ દેશના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. સુરતની ભવ્યતામાં ડાયમંડ બુર્સના રૂપમાં આજે વધુ એક ‘ડાયમંડ’નો ઉમેરો થયો છે. આગામી સમયમાં ભારતને વિશ્વની ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બનાવવા અને વિકસિત ભારતના નિર્માણ માટે ભારતીય હીરા ઉદ્યોગ, જેમ્સ એન્ડ જવેલરી સેક્ટરને પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા વડાપ્રધાને આહ્વાન કર્યું હતું.
એસડીબી એટલે ‘મેઇડ ઇન ઇંડિયા’નું શ્રેષ્ઠ ઉદાહરણ
બુર્સને હીરા ઉદ્યોગના વિકાસને બુસ્ટ આપતું અપ્રતિમ સાહસ ગણાવતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બુર્સની અદ્યતન ઈમારત દુનિયાની તમામ શ્રેષ્ઠ ઈમારતોને ઝાંખી પાડે છે. આ ઈમારત દેશના આર્કિટેક્ચર, પર્યાવરણ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અભ્યાસનું કેન્દ્ર બની શકે છે. ‘મેઈડ ઈન ઈન્ડિયા’ એક પ્રભાવશાળી અને સશક્ત બ્રાન્ડ બની ગઈ છે. તેનું સીધું ઉદાહરણ આ ડાયમંડ બુર્સ છે. બિલ્ડિંગ ભારતીય ડિઝાઈન, ભારતીય કન્સેપ્ટ, ભારતીય ઈજનેરી અને સ્થાપત્ય કલા તેમજ આત્મનિર્ભરતાના પ્રતિકના રૂપમાં ઉભરી છે. ડાયમંડ બુર્સ દેશના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. પંચતત્વ, લેન્ડસ્કેપિંગ, સ્ટેટ ઓફ ધ આર્ટ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ વિશ્વ માટે પ્રેરક બનશે.
અંદાજિત રૂ.3400 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ લાખાણી, ડિરેક્ટર મથુરભાઇ સવાણી, ગોવિંદભાઇ ધોળકિયા, લાલજીભાઇ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેન દિનેશભાઇ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ સહિત દેશવિદેશના 30 મહેમાનો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા. સુરત ડાયમંડ બુર્સમાં 131 હાઈ સ્પીડ લિફ્ટનું ઈન્સ્ટોલેશન કરાયું છે, જેની સ્પીડ પ્રતિ સેકન્ડ 3 મીટરની છે.
સુરતનો હીરાવેપાર 4 લાખ કરોડે પહોંચશે: વલ્લભ લાખાણી
ડાયમંડ બુર્સના વલ્લભભાઇ લાખાણીએ કહ્યું કે, ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે. બુર્સની 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અહીં 27 ઈન્ટરનેશનલ જવેલરી શો-રૂમ નિર્માણ પામશે. અહીંથી દેશવિદેશથી આવતા વ્યાપારીઓ, તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે. સુરતના હીરાઉદ્યોગમાં હાલ 2 લાખ કરોડનો વેપાર થાય છે. બુર્સ સાકાર થતા તે વધીને 4 લાખ કરોડ થવાની સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter