સુરત, અમરેલીઃ સુરતમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા આવતા અનેક વિસ્તારમાં લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. ભૂકંપની અસર ભાવનગર, અમરેલી, સાવરકુંડલા અને દક્ષિણ ગુજરાતના અડાજણ સુધી અનુભવાઈ હતી. સવારે ૯.૨૪ મિનિટે ૪.૭ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. માત્ર પાંચથી સાત સેકન્ડ પૂરતા ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિ થઈ નથી, જોકે ભૂકંપના થોડા સમય બાદ સુરતના રાંદેરમાં એક જર્જરિત મકાનનો થોડો ભાગ ધસી પડ્યો હતો. ભૂકંપ આવતાં હાઇરાઇઝ બિલ્ડીંગો, એપાર્ટમેન્ટમાં આંચકાની તીવ્રતા અનુભવાતાં સુરતમાં લોકો લાંબા સમય સુધી રોડ પર રહ્યા હતા.
કામરેજ નજીકની જૂની ફોલ્ટલાઈન સક્રિય થતાં તેનો છેડો લંબાયો હોવાનો તજજ્ઞોનું અનુમાન છે, જેને કારણે સુરતમાં ભવિષ્યમાં જમીનમાં વધુ હિલચાલ થાય તેવી શક્યતા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી ૧૪ કિલોમીટર દૂર ભાદા ગામે નોંધાયું હતું. કામરેજના મામલતદાર યુ.એન. જાડેજાએ કહ્યું હતું કે ભૂકંપને લઈને તાલુકામાં કંઈ નુકસાન થયું નથી.
ગંભીર નુકસાન નથી: સરકાર
રાજયમાં ભૂકંપના આંચકા આવતાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે અને રાહત કમિશ્નર મનિષ ભારદ્વાજે તમામ જિલ્લા કલેકટર સાથે પરામર્શ કરીને જાણકારી મેળવી હતી.

