સુરતના નવજાત ઋગ્વેદે જન્મના ત્રણ જ કલાકમાં પાસપોર્ટ મેળવી વિક્રમ સર્જ્યો

Wednesday 17th October 2018 09:21 EDT
 
 

સુરતઃ શહેરમાં ૧૧મી ઓક્ટોબરે જન્મ લેનારા ઋગ્વેદે જન્મના ત્રણ કલાકમાં જ પાસપોર્ટ મેળવીને વિક્રમ સર્જયો છે. બપોરે ૧૧.૪૨ વાગ્યે જન્મ થયા બાદ બપોરે ૨.૩૦ વાગ્યે તો ઋગ્વેદનો પાસપોર્ટ પણ તૈયાર થઇ ગયો હતો. સુરતના પુણા પાટિયામાં રહેતા મનીષ કાપડિયા અને તેમનાં પત્ની નીતા કાપડિયાને ત્યાં પહેલા નોરતે ૧૧.૪૨ વાગ્યે પુત્રજન્મ થયો હતો. ઊનાપાણી રોડ સ્થિત હોસ્પિટલમાં ઋગ્વેદના જન્મ બાદ ૧૨.૧૫ વાગ્યા સુધીમાં સુરત મહાપાલિકામાંથી તેનો જન્મનો દાખલો કાઢી લેવાયો હતો. જ્યારે ૧૨.૨૦ વાગ્યે ઋગ્વેદનું પાસપોર્ટ માટેનું ફોર્મ ભર્યા બાદ બપોરે ૨.૩૦ કલાકે સુરત પાસપોર્ટ ઓફિસર અંજનીકુમાર પાંડેના હસ્તે ઋગ્વેદના પિતા મનીષભાઈને દીકરાનો પાસપોર્ટ આપી દેવાયો હતો. ૩ જ કલાકમાં પાસપોર્ટ બાદ હવે તે યંગેસ્ટ પાસપોર્ટ હોલ્ડર હોવાનો દાવો કરીને લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી કરવામાં આવશે. દંપતીને ત્યાં પુત્ર અથર્વ બાદ બીજા સંતાન તરીકે ઋગ્વેદનો જન્મ થયો હતો.

આઈડિયા આવ્યો અને...

આઇટી સોફ્ટવેર કંપનીમાં કાર્યરત મનીષભાઈ અને તેમના પરિવારજનોને એક દિવસ પહેલાં જ પાસપોર્ટને લઇને આ આઈડિયા આવ્યો હતો. નીતાબહેનનું સિઝેરિયન થવાનું હોવાથી જો પુત્ર જન્મે તો ઋગ્વેદ અને પુત્રી જન્મે તો રિવા નામ રાખવાનું પણ કુટુંબે નિર્ધારિત રાખ્યું હતું. દંપતી કહે છે કે પાસપોર્ટની ઓનલાઇન કામગીરીની ઝડપનો દર્શાવવા તાકીદે પાસપોર્ટ કઢાવ્યો હતો.

પાસપોર્ટ જરૂરી પુરાવા

સુરત પાસપોર્ટ ઓફિસર અંજનીકુમાર પાંડે કહે છે કે, ઋગ્વેદના જન્મના દાખલાથી લઇને અન્ય તમામ પુરાવા રજૂ કરાયા હતા. ૧ વર્ષથી નાની વયનું બાળક હોય તો માતા-પિતા બન્નેનો પાસપોર્ટ અને બેમાંથી એકની હાજરી ફરજિયાત છે. તે પ્રમાણે ઋગ્વેદના પિતાએ પાસપોર્ટ માટે અરજી કરી હતી. આવી યુનિક અરજીને આધારે પાસપોર્ટ બન્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter