સુરતઃ સરથાણા નેચર પાર્ક સામે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે (૨૪મી મેએ) સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મીઠાઇની દુકાનના એસીમાં બ્લાસ્ટથી લાગેલી આગ જોતજોતામાં ત્રીજા માળ અને ચોથા માળે આવેલા ટેરેસ રુફટોપ સુધી ફેલાઇ ગઇ હતી. ચારેબાજુ અંધારપટ, ધુમાડાના ગોટેગોટા વચ્ચે સર્જાયેલા અગ્નિતાંડવમાં અલોહા ફેશન ડિઝાઈનિંગ ઈન્સ્ટિટયૂટના કેટલાક વિદ્યાર્થીઓ જીવતા ભુંજાઇ ગયા હતા. અમુક વિદ્યાર્થીઓએ જીવ બચાવવાનો કોઇ રસ્તો નહીં સૂઝતા ચોથા ફ્લોર પરના રુફટોપ પરથી ભુસકો મારવા મજબૂર થવું પડયું હતું. હૈયું હચમચાવી દેનારા આ દૃશ્યો જોઇ સંખ્યાબંધ લોકોના મોઢા ફાટી રહ્યાં હતાં.
અડધો કલાક મોડા આવેલા ફાયર વિભાગના લાશ્કરોએ રેસ્ક્યૂ કામગીરી આરંભી હતી. અપૂરતા સાધનોને લીધે વધારે લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો હતો. ચાર કલાકની જહેમતને અંતે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. મૃત્યુઆંક પહેલાં પાંચ પછી ૧૦ પછી ૧૫, પછી ૨૦ થયા બાદ અંતે ૨૨ પર અટક્યો છે. ઘટના પછી તંત્ર અને ફાયર વિભાગ પરના આક્ષેપોના પગલે બે ફાયર બ્રિગેડના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે અને સ્માર્ટ ક્લાસિસના માલિકની ધરપકડ કરાઈ છે. રાજ્યમાં આ ઘટનાના આક્રોશ સાથે ઘેરા પ્રત્યાઘાત પડતાં રાજ્યમાં ઠેર ઠેર અગ્નિશામક વિભાગ દ્વારા સલામતીના પગલાંની ચકાસણીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડને વધુ સાધન સજ્જ બનાવવાની કવાયત સાથે વિદેશમાંથી ટ્રેનિંગ માટે નિષ્ણાતો બોલાવાયા છે.
એસીમાં બ્લાસ્ટ
તક્ષશિલા આર્કેડમાં ત્રીજા માળનું બાંધકામ ગેરકાયદે છે. આ ગેરકાયદે બાંધકામમાં અલોહા ક્લાસિસ હતા. બાંધકામ અનઅધિકૃત હોવાથી લોકોની અવરજવર માટે લાકડાનો દાદર રખાયો હતો. બીજા માળે મીઠાઇની દુકાનમાં એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગવાથી લાકડાનો દાદર બળી ગયો અને વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા. છેવટે ચોથા માળેથી વિદ્યાર્થીઓને ભૂસકો મારવા મજબૂર થવું પડયું હતું.
ફાયર વિભાગ લકવાગ્રસ્ત
ઘટના બન્યાના સ્થળથી પાંચ મિનિટના અંતરે જ ફાયર બ્રિગેડ સ્ટેશન હોવા છતાં ફાયરના પાણી ટેન્કરને આવતા ૩૦ મિનિટ લાગી હતી. બીજી તરફ જીઇબીના જોખમી ટ્રાન્સફોર્મરના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનો મત રજૂ થઇ રહ્યો હતો. વર્ષે કરોડો રૂપિયાના સાધનો વસાવતી ફાયર બ્રિગેડને આ ઘટના અંગે કોલ મળતાં સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડ પાસે માત્ર દોઢ માળ સુધીની ઊંચાઇ ધરાવતી સીડી હતી. હાઇડ્રોલિક ખરાબ હતું, જાળ લાવવાનું ભૂલી ગયા હતા. આખરે જીવ રઘવાયા બનેલા વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. કેટલાક લોકો વિદ્યાર્થીઓનો કેચ પકડવા દોડયા હતા, પણ ચાર લોકોના હાથ એમાં ભાંગ્યા હતા.
કોમ્પલેક્સમાં આગ લાગ્યા બાદ ૨૮ લોકો નીચે કુદ્યા હતા. તે સમયે એક યુવાન થોડી સાવચેતી સાથે ત્રીજા માળે આવેલી બારી ઉપર ઊતરી ગયો હતો. તેણે એક યુવતી અને યુવકનો જીવ બચાવવાના પ્રયાસ કર્યાં, પણ તેઓ નીચે પટકાયા હતા. ત્યારબાદ તેણે બીજી બે યુવતીઓને હળવેકથી બારી ઉપર ઉતારી હતી. તેની સભાનતા અને સાવચાતીના કારણે જ તેનો તથા બે યુવતીઓનો જીવ બચ્યો હતો. જોકે આ યુવક સ્માર્ટ ક્લાસિસનો સંચાલક ભાર્ગવ બુટાણી હોવાનું ખૂલ્યું છે અને પોલીસે મુખ્ય આરોપી તરીકે તેને ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે. આ જ ભાર્ગવ બુટાણીએ દુર્ઘટના વખતે ઉપરથી લટકીને પછી અન્ય બે વિદ્યાર્થીઓને બચાવ્યાં હતાં. બાદમાં ફાયરબ્રિગેડની ક્રેઈન દ્વારા સૌપ્રથમ વિદ્યાર્થીઓને નીચે ઉતારીને પોતે નીચે ઉતર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચના એસીપીએ પણ બચાવનાર ભાર્ગવ હોવાનું કહ્યું હતું.
ફાયર સેફ્ટી નહોતી
ફાયર સેફટીને મામલે ફાયર વિભાગની કડકાઇ માત્ર કાગળ પર જ છે. ફાયર વિભાગના આ પાપે તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફટીની સુવિધા જ નહોતી. ફાયરની એનઓસી આપી માત્ર મલાઇ ખાવામાં રસ ધરાવતા અધિકારીઓ દ્વારા આ દિશામાં જો પૂરતું ધ્યાન અપાયું હોત તો કેટલીય નિર્દોષ જિંદગીઓને બચાવી શકાય હોત.
ગેરકાયદે ઇમ્પેકટ ફી
આ ઉપરાંત આખું તક્ષશિલા આર્કેડ ગેરકાયદે ઇમ્પેકટ ફી યોજનામાં મંજૂર કરાવાયું હતું. આર્કેડના ટેરેસ પર ગેરકાયદે ડોમ બનાવી ખાનગી કલાસ શરૂ કરાયા હતા. ડોમની ઊંચાઇ માંડ પાંચ છ ફૂટ હોવાથી વિદ્યાર્થીઓને બેસવા ગાદલા હતા. આગ લાગતાં ગાદલા સળગ્યા અને આગ વિકરાળ બની હતી. વળી, તક્ષશિલા આર્કેડનો કોઇ પ્લાન પાલિકામાં મુકાયો જ નહોતો. ૨૦૧૧માં રાજ્ય સરકારની ઇમ્પેકટ ફી યોજના હેઠળ જ્યોતિબહેન હસમુખ વેકરિયા અને અન્યોએ આ કમર્શિયલ મિલકત મંઝૂરી માટે મૂકી અને મંજૂર કરાઈ હતી. જોકે ટેરેસ પરના ડોમ ગેરકાયદેસર બનાવાયા હતા.
હોસ્પિટલમાં કતારબંધ મૃતદેહો
સ્મીમેર હોસ્પિટલમાં કેઝયુલિટી વોર્ડમાં દર્દીઓને બદલે મૃતદેહોનો ઢગલો થઈ ગયો હતો. મોટાભાગની બોડીઓ એટલી હદે આગમાં ભડથું થઈ ગઈ હતી કે, લાંબી કવાયત બાદ પણ તેની ઓળખ થઈ શકી ન હતી, જેને કારણે મૃતદેહોને નંબર આપવા પડયા હતા. બનાવ બાદ ચિંતિત પરિજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા, પરંતુ મૃતદેહમાં સ્વજનની ઓળખ ન થતાં હોસ્પિટલમાં આક્રંદ ફેલાયો હતો. જોકે આ ઘટના પછી લોકો બ્લડ ડોનેશન માટે સ્વયંભૂ દવાખાને દોડી આવ્યા હતા. ઉપરાંત વિવિધ હોસ્પિટલોમાં ખસેડાયેલાઓની યાદી પણ ફરતી કરાઇ હતી. ઘટનાની ગંભીરતા પારખી રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમના તમામ કાર્યક્રમો પડતા મૂકી તાત્કાલિક સુરત આવ્યા હતા. આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને રાજ્ય સરકારે રૂ. ૪ લાખની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન વ્યથિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, સુરતમાં આગની ઘટનાથી હું બેહદ વ્યથિત છું. મૃતકોનાં પરિવાર પ્રત્યે ઘેરી સંવેદના વ્યક્ત કરું છું. મેં ગુજરાત સરકાર અને સ્થાનિક સત્તાને અસરગ્રસ્તોને તમામ મદદનો આદેશ
આપ્યો છે. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના છે.
‘મૃતકો પ્રત્યે સંવેદના’
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, હોનારતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે હું ઘેરું દુઃખ વ્યક્ત કરું છું. મૃતકોનાં પરિવાર પ્રત્યે મારી ઘેરી સંવેદનાઓ વ્યક્ત કરું છું. જે લોકો ઈજા પામ્યા છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. કેન્દ્રનાં આરોગ્ય પ્રધાન જે પી નડ્ડાએ વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ દુર્ઘટનામાં તમામ મદદ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ સુરત આગ હોનારત અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.
મહંતસ્વામી પણ વ્યથિત
આગની ઘટનામાં બાળકોના મોતથી વ્યથિત સ્વામીનારાયણ સંસ્થાન બીએપીએસના મહંત સ્વામીએ ખેદ સંદેશ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાથી હું દુઃખી છું. તાજેતરમાં જ હું સૂરતથી સારંગપુર પહોંચ્યો હતો અને એના થોડા દિવસમાં જ બનેલી આ ઘટના અત્યંત દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે. ઈજાગ્રસ્તો જલદી સાજા થઈ જાય. ઓછા સમયમાં ઈજાગ્રસ્તો જલદી સ્વસ્થતા પ્રાપ્ત કરે એવી અભ્યર્થના. આ માટે સંતો તથા ભક્તો અસરગ્રસ્તો માટે પ્રાર્થના કરી રહ્યાં છે.
તક્ષશિલા બિલ્ડિંગ લાક્ષાગૃહ સમાનઃ સરકાર
રાજ્ય સરકારે સુરતની તક્ષશિલા બિલ્ડિંગની તપાસ કરી તે આધારે જે અહેવાલ તૈયાર કર્યો તેમાં ફલિત થાય છે કે મકાન લાક્ષાગૃહ હતું. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને સોંપેલા તપાસ અહેવાલ બાદ સોમવારે માધ્યમો સમક્ષ આ અહેવાલની વિગતો જાહેર કરાઈ હતી. તે જોતા આ મકાનના બિલ્ડરોથી માંડીને કબજેદારો માસૂમોની હત્યા માટે સીધા જ જવાબદાર હતાં. મુકેશ પુરીના જણાવ્યાનુસાર આ ઈમારતમાં ઠેર-ઠેર ફ્લેક્સ બેનર્સ હતાં જે ખૂબ જ્વલનશીલ હોય છે. એસીના યુનિટોમાં સ્પાર્ક થતાં જ ફ્લેક્સ બેનર્સમાં ભડકો થાય અને આખી ઈમારત સળગી ઊઠે. આ ઉપરાંત આ ઈમારતની છત પર કોચિંગ ક્લાસમાં મોટી સંખ્યામાં બાળકો હતાં તે સ્થળ એક પ્લાસ્ટિક (ફોલ્સ) શેડથી ઢંકાયેલું હતું અને આ શેડનું મટીરિયલ પણ જ્વલનશીલ હોવાથી આગ વધુ વિકરાળ બની હતી.બહાર નીકળવા એક લોખંડની ત્રણ ફૂટ પહોળી સીડી હતી,
પણ તેમાં લાકડાના પગથિયાં અને ઉપર શેડની છત હોવાથી તે પણ સળગી ઊઠી જેથી બાળકો ફસાઈ ગયાં. સૌથી ઘાતકી પાસું એ હતું કે બાળકોને બચાવી શકાયાં હોત જો ઉતરવા માટે બનાવેલી આરસીસી ચણતરની સીડીનો માર્ગ ખુલ્લો હોત, પરંતુ આ માર્ગ કાયમીપણે બંધ કરાયો હતો જેથી બાળકોને કોઈ માર્ગ ન મળતાં તેઓ કાચની બારીઓ તોડીને નીચે કૂદી પડ્યાં.
બાળકોએ વિચાર્યુંઃ મરવું તો નક્કી હતું, જો નીચે કૂદીએ તો કદાચ બચી જઇએ
આ ઘટનાને નજરે જોનારા લોકો કહે છે કે, આગના ગોટેગોટામાંથી અવાજો આવતા હતા કૂદો કૂદો. આ ઘટનામાં નીચે છલાંગ લગાવનાર અને બચી જનાર એક ૧૫ વર્ષીય વિદ્યાર્થી રામ વાઘાણીએ કહ્યું કે, બધા કહેતા હતા કે કૂદો... કૂદો... એટલે કૂદી ગયો, પણ હું બચી ગયો
રામ કહે છે કે, હું અલોહા મેન્ટલી ડેવલપમેન્ટ ક્લાસિસમાં હતો ત્યારે ધુમાડા દેખાયા. અમારા જેનિશામેડમ સાથે હું પણ બહાર નીકળ્યો. ત્રીજા માળે પહોંચ્યો. ત્યાંથી મેડમ દેખાયા જ નહીં. ત્રીજા માળેથી કૂદવાનો એક જ રસ્તો હતો. મરવાનું જ હતું તો પછી કૂદીને બચવાનો વિકલ્પ મેં પસંદ કર્યો હતો. હું કૂદી ગયો અને લોકોએ મને ઝીલી લીધો. મને લેશમાત્ર ઇજા થઈ નથી. અન્ય એક વિદ્યાર્થી રુચિત વેકરિયા કહે છે કે, અમે વીસેક વિદ્યાર્થીઓ ક્લાસિસમાં હજુ તો બેઠા જ હતા ત્યાં ધુમાડા દેખાયા. આગે વિકરાળ રૂપ લીધું. અમે બારી બારણાં તોડી નીકળવાનો પ્રયાસ કર્યો પણ ક્યાંય જવાની જગ્યા ન હતી. તેથી કૂદકો મારી ચાન્સ લેવા નિર્ણય કર્યો. કૂદકો મારી પણ દીધો. મને હાથમાં અને માથામાં ઇજા થઈ છે.
...અને લોકોએ મને કેચ કરી!
રેન્સી રોય (ઉં ૧૮) વર્ષની યુવતી કહે છે કે અમારી સાથે ૩ વર્ષનો એક અને બાકીના ૫થી ૬ વર્ષના નાના બાળકો હતાં. આગ લપકારા લેતી હતી. અમારા સાહેબો કૂદી ગયાં હતાં. જીવ બચી જશે તેમ વિચારીને બાળકોને પણ કૂદકા મારવા કહ્યું ને મેં કૂદકો મારી દીધો. નીચે લોકોએ મને કેચ કરી લેતાં જીવ બચી ગયો... પગમાં ભારે ઈજા છે અને શરીરે નાની મોટી ઈજાઓ થઈ છે.
મહામહેનતે કાચ તોડીને ઝંપલાવ્યું
ક્રિએટર ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈનમાં અભ્યાસ કરતી આરઝુ ખૂંટ (ઉં ૧૮) કહે છે કે અલોહા વૈદિક ગણિતના ક્લાસિસમાં ૧૦ થી ૧૫ વર્ષના બાળકો અભ્યાસ કરતા હતા. આગ લાગવાથી બધા ડરી ગયાં. ‘બચાવો બચાવો...’ની બૂમો સંભળાતી હતી. અમારી સાથે ૨૦ જેટલાં વિદ્યાર્થીઓ હતાં. બચાવ માટે કાચ તોડી નાંખ્યો અને નીચે ઝંપલાવી દીધું ને લોકોએ મને ઝીલી લીધી. એક તરફ લોકો તસવીરો પાડવામાં વ્યસ્ત હતા ત્યારે ભીડમાંથી કેતન નામનો માણસ બીજા માળ સુધી પહોંચી ગયો હતો અને કેતને બે લોકોનાં જીવ બચાવ્યા હતા.


