અમદાવાદ: રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર (કુમાર) કાનાણીના પુત્ર પ્રકાશ તેના કર્ફ્યુમાં ખુલ્લેઆમ માસ વગર નીકળી પડેલા મિત્રો માટે MLA લખેલી ગાડીમાં આવ્યા બાદ મહિલા પોલીસ કર્મચારી સાથે ઉદ્ધતાઈ કરી હોવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ૯મીએ રાતે સુરતના હીરાબજારમાં રાતે કર્ફ્યુમાં માસ્ક વગર નીકળેલા પાંચને નિયમભંગ બદલ કોન્સ્ટેબલ સુનીતા યાદવે અટકાવ્યા પછી પ્રકાશ ત્યાં આવ્યો અને સુનીતા સાથે ઝઘડો કર્યો. પ્રકાશે કહ્યું કે, ૩૬૫ દિવસ તને અહીં જ ઊભી રખાવીશ.
સુનીતાએ સંભળાવી દીધું કે, વડા પ્રધાનનો દીકરો હોત તો પણ હું રોકું. પ્રધાનના પુત્રને સુનીતાએ કહ્યું કે, મને અહીં ૩૬૫ દિવસ ઊભા રાખશે તેવું કહેવાની સત્તા કોણે આપી? પ્રધાનનો દીકરો છે તો શું થયું? મને અહીંયા ૩૬૫ દિવસ ઊભી રખાવીશ એવું કહેનાર તું કોણ છે? હું તારા બાપની નોકર નથી, તાકાત હોય તો બદલી કરાવી નાંખજે. બાકી બીજી વાર બોલીશ તો લાઠીથી પુષ્ઠભાગ તોડી નાંખીશ બધાનો.
ઓડિયો મુજબ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશને પીઆઈને ફોન કરીને જાણ કરી ત્યારે ઉપરી અધિકારીએ કહ્યું કે, તમને બંદોબસ્તમાંથી ફ્રી કરાય છે. તમે જાઓ. જોકે કુમાર કાનાણીએ જે યોગ્ય થતું હોય તે કાયદા પ્રમાણે કરો. એવું જણાવ્યાનું બહાર આવ્યું છે.
પ્રધાનપુત્ર સહિત ત્રણ સામે FIR - ધરપકડ
આ વિવાદનો ઓડિયો-વીડિયો વાઈરલ થતાં આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગરમાયો છે. પોલીસનું મનોબળ તોડનારા અને કર્ફ્યુનો ખુલ્લેઆમ ભંગ કરનારા પ્રધાન પુત્ર અને તેના બે મિત્રો સામે પોલીસ ફરિયાદ થઈ હતી. પ્રધાન પુત્ર અને તેના બે મિત્રો સામે કોરોના મહામારી વધુ ફેલાય એ રીતે બેદરકારીપૂર્વક ફરી લોકોની જિંદગી જોખમમાં મુકાય એવું કૃત્ય કરવાનો ગુનો નોંધીને ૧૨મીએ ત્રણની ધરપકડ પણ કરાઈ હતી.
જોકે આ વિવાદ અહીં નહીં રોકાતા કાનાણીના સમર્થકોએ એવો વીડિયો વાઈરલ કર્યો છે કે સુનીતાના પિતા પોલીસ લખેલી ગાડી વાપરી રહ્યાં છે. પુત્રી પોલીસકર્મી હોય તો પિતાને પોલીસ લખેલી ગાડી વાપરવાનો અધિકાર છે ખરો?